વડોદરા શહેરના બે બિલ્ડર્સ ગ્રૂપ આર્કિટેક્ટ અને તેમને સંલગ્ન 5 ગ્રૂપના 35 સ્થળ ઉપર ઇન્કમટેકસ વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્ચમાં જંગી બેનામી હિસાબો મળ્યાનું પ્રકાશમા આવ્યું છે. અંદાજે રૂપિયા 50 કરોડ ઉપરાંતના બેનામી હિસાબો મળી આવતાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.
અનેક દસ્તાવેજોની તપાસ કરાઈ
શહેરના બિલ્ડર ગ્રૂપ દર્શનમ અને વિહવ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગત સપ્તાહમાં થયેલા સર્ચ દરમિયાન આર્કિટેક્ટ અને અન્ય ગ્રૂપમાં પણ તપાસનો દોર લંબાવ્યો હતો. ચાર દિવસ ચાલેલા સર્ચ બાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કબજે કરવામાં આવેલા દસ્તાવેજો, બેંક લોકર સહિત અનેક વસ્તુની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જંગી માત્રામાં કાળું નાણું મળવાની શક્યતા: સૂત્રો
સૂત્રો મુજબ બેંકના લોકરમાંથી કીમતી જ્વેલરી અને ઘરેણાં પણ કબજે લેવામાં આવ્યાં હતાં. જ્યારે જમીન લે-વેચના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહાર તેમજ કમ્પ્યૂટર દ્વારા થયેલી એન્ટ્રી પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ હજુ લાંબી ચાલે અને જંગી માત્રામાં કાળું નાણું પકડાય તેવી શક્યતાઓ પ્રબળ છે. શહેરના મોટાગજાના બિલ્ડર ગ્રૂપ વડોદરા શહેરના અન્ય બિલ્ડરો માં પણ હડકંપ મચ્યો હતો. કોરોનાકાળ બાદ વડોદરા શહેરમાં પ્રથમ સર્ચમાં જ જંગી બેનામી હિસાબો મળી આવતા શહેરમાં ફરી એક વખત ચર્ચા ઊઠી છે.
ફ્લેટ લે-વેચની પણ તપાસ હાથ ધરાઈ
આવકવેરા વિભાગ દ્વારા બંને બિલ્ડર ગ્રૂપમાં ફ્લેટ લે-વેચ અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો મુજબ એન્ટ્રીઓ ડિજિટલ હોવાને પગલે તપાસમાં સમય લાગી શકે છે અને બેનામી આવકની રકમ પણ વધી શકે છે. જોકે આ તપાસ હજુ કેટલા દિવસ ચાલશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આટલી જંગી રકમના બેનામી હિસાબો કોરોનાકાળ દરમિયાન બિલ્ડરો દ્વારા કરવામાં આવતાં શહેરના બિલ્ડર ગ્રૂપ દ્વારા નાગરિકો પાસેથી કેટલી બ્લેક મની લેવામાં આવી છે તેની પણ ચર્ચા ઊઠી છે.
કરોડો રૂપિયાની રોકડ જપ્ત થયાની ચર્ચા
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ચાર દિવસ કરવામાં આવેલા સર્ચને 27થી શરૂ કરી 35 સ્થળો સુધી લંબાવવામાં આવ્યું હતું. રવિવારે પણ ઓફિસ ચાલુ રાખીને વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે જંગી બેનામી આવક મળે તેવી શક્યતાઓ છે. સૂત્રો મુજબ બેંકના લોકરમાંથી અને ઘરમાંથી સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ મળી હોવાનું જાણવા મળ્યું છે.
સર્ચનો વ્યાપ અન્ય ગ્રૂપ સુધી લંબાશે?
શહેરના બિલ્ડર ગ્રૂપને ત્યાં થયેલું સર્ચ અમદાવાદમાં બિલ્ડર ગ્રૂપને ત્યાં થોડા સમય પૂર્વે પડેલા દરોડામાં મળેલા વહેવારોને પગલે હાથ ધરાયાની ચર્ચા છે. વડોદરાના સર્ચની એન્ટ્રીઓ અન્ય શહેરમાં કે અન્ય બિલ્ડર ગ્રૂપ સુધી લંબાય તેવી શક્યતા છે. જોકે હાલના તબક્કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર આ વાતને સમર્થન અપાયું નથી.બિલ્ડરોના પાર્ટનર અને સંબંધીને ત્યાંથી કેટલો બેનામી હિસાબ મળ્યો છે તે અંગે જાણી શકાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.