નુકસાનનો અંદાજ:પાલિકાએ 431 કરોડની FD મુદત પૂર્વે ઉપાડતાં 5 કરોડના નુકસાનનો અંદાજ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓડિટનો વાંધો છતાં 5 મહિના બાદ પણ એકાઉન્ટ વિભાગે ખુલાસો ન કર્યો
  • કઈ સ્થિતિમાં​​​​​​​ એફડી વટાવી તેની પણ માહિતી મગાઈ

પાલિકાએ 2021-22ના એકાઉન્ટ વિભાગ દ્વારા જુદી જુદી ખાનગી બેંકમાં મૂકેલી 431 કરોડની ફિક્સ ડિપોઝિટ મુદત પૂર્વે ઉપાડી લેતાં ઓડિટ વિભાગે ખુલાસો પૂછ્યો છે. પાલિકાનાં સૂત્રો અનુસાર આ નિર્ણયથી પાલિકાને મળવાપાત્ર વ્યાજની રકમમાં 5 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

પાલિકાના એકાઉન્ટ વિભાગ દ્વારા મ્યુ. કમિશનરની મંજૂરીથી બેંકમાં રહેલાં વધારાનાં નાણાંની ફિક્સ ડિપોઝિટ કરાય છે. તદુપરાંત ફંડની જરૂર મુજબ એફડી વટાવાતી હોય છે. જુલાઇ-2021માં એકાઉન્ટ વિભાગે જુદી-જુદી ખાનગી બેંકમાં રહેલી 431 કરોડની ફિક્સ ડિપોઝિટ મુદત પૂરી થાય તે પહેલાં વટાવી લીધી હતી. ઓડિટમાં આ બાબત ધ્યાને આવી હતી. ઓડિટ વિભાગે એકાઉન્ટ વિભાગને 8 ફેબ્રુઆરીથી મુદત પૂર્વે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજનું નુકસાન થયું છે કે કેમ તથા એફડી મુદત પૂર્વે વટાવવા અંગે કઇ સ્થિતિ ઊભી થયેલી છે તે જણાવવા પત્ર લખ્યો હતો. જોકે એકાઉન્ટ વિભાગે 5 મહિના બાદ પણ તેનો જવાબ આપ્યો નથી.

જે સ્વરૂપે માહિતી માગી તે ઉપલબ્ધ નથી
પાલિકાનો હેતુ એફડીથી વ્યાજ કમાવવાનો હોતો નથી. સરકાર સ્પેન્ટ કરવા ગ્રાન્ટઆપે છે.નાણાંની જરૂર ન હોય તો ડિપોઝિટ કરાય છે અને જરૂર પડે ત્યારે ઉપાડાય છે. જ્યાં નાણાં રોક્યાં ત્યાં વ્યાજ મળી રહેશે એટલે નુકસાનીનો પ્રશ્ન નથી.જે સ્વરૂપમાં માહિતી મગાઈ હતી તે સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. > સંતોષ તિવારી, ચીફ એકાઉન્ટન્ટ

મોટું નુકસાન ન થાય તે માટેનું પગલું
ખાનગી બેંકમાં મૂકેલી એફડી નેશનલાઈઝ બેંકમાં મૂકાઈ છે. કોઈ બેંક ફડચામાં જાય તો નુકસાન ન થાય તે માટે નિર્ણય લેવાયો છે.> ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...