ડિજિટલ પેમેન્ટનું ચલણ વધવાની સાથે સાયબર ઠગાઈએ પણ માઝા મૂકી છે. સાયબર એલર્ટનેસ ન હોય તેવા ઓડિયન્સને ટાર્ગેટ કરીને ભેજાબાજો નવા કીમિયા અજમાવી રહ્યા છે. એમાં પણ વડોદરામાં તો સાયબર ઠગાઈ હદ વટાવી ગઈ છે, કારણ કે ગત 1 મેથી 15 મે સુધીમાં સાયબર ફ્રોડની 5 મોટી ફરિયાદો નોંધાઈ છે. આ ઠગાઈનો ભોગ બનનારામાં વડોદરા શહેરના જાણીતા વકીલથી લઈને શ્રમિક, મહિલા સુધીના લોકો સામેલ છે. તેમને 27 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
વિદેશપ્રવાસથી લઈ KBC ઈનામની લાલચે ઠગાઈ
નોટબંધી અને ત્યાર બાદ કોરોનાકાળનાં ત્રણ વર્ષમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઘણું વધ્યું છે. આની સાથે સાયબર ઠગ પણ લોકોને છેતરી લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઇ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં લોકોને વિદેશપ્રવાસથી લઇને ગેમ-શોમાં ઈનામ લાગ્યાની લાલચ આપી છેતર્યા છે, જેમાં જાણીતા વકીલનો પણ સમાવેશ થાય છે.
માલદિવ્સ પેકેજના નામે બે સાથે 5.25 લાખની ઠગાઈ
અકોટાના બિઝનેસમેન વશિષ્ઠ ઉપાધ્યાયે પરિવાર સાથે માલદિવ્સના પ્રવાસે જવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે ગૂગલમાં ઓનલાઇન સર્ચ કરી એક વેબસાઇટ ખોલી હતી, જેમાં માલદિવ્સના ટૂર પેકેજ માટે હોટલ બુક કરાવવા એક મોબાઇલ નંબર હતો. ફોન કરતાં સામેથી આદિત્ય જૈન બોલું છું એમ કહી હોટલ બુકિંગના નામે રૂ. 2.50 લાખ માગ્યા હતા, જેનું વશિષ્ઠે ઈ-પેમેન્ટ કર્યું, એ પછી ફ્લાઇટ બુકિંગ માટે પણ ઠગે ફોન કર્યો હતો, પરંતુ વશિષ્ઠ ઉપાધ્યાયને આ દરમિયાન જાણ થઇ હતી કે તેઓ ઓનલાઇન છેતરપિંડીનો ભાગ બની રહ્યા છે, જેથી તેમણે વધુ પેમેન્ટ કર્યું ન હતું અને સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો.
બંને કિસ્સામાં ઠગનારી વ્યક્તિ એક જ, આદિત્ય જૈન
આ દરમિયાન આવી જ ઘટના વડોદરાના હસમુખભાઇ પ્રજાપતિ સાથે બની હતી અને તેમને પણ ઓનલાઇન વેબસાઇટ પરથી માલદિવ્સમાં હોટલ બુકિંગના નામે આદિત્ય જૈન બોલું છું એમ કહી રૂ. 2.76 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ, બંનેની સાથે રુ. 5.25 લાખની ઠગાઇ થયાની સંયુક્ત ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અમરસિંહ રાવળને (રહે. કૈલાસઢાબા, ભરૂચ) વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. અમરસિંહ થાઇલેન્ડથી ડિપોર્ટ થયો છે.
KBCમાં 25 લાખનું ઈનામ તો ન મળ્યું, 1.25 લાખ ગયા
વડોદરાના વાઘોડિયા રોડ પર વુડાના મકાનમા રહેતા અને શેરડીનો રસ કાઢવાની ગાડી ચલાવતા શ્રમિક નાજુક પુંડિલિક ઇંગલેને ગત 1 એપ્રિલે મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે તમને 25 લાખનું ઇનામ KBC ડિપાર્ટમેન્ટ તરફથી લાગ્યું છે. આ સાથેના મોબાઇલ નંબર પર વાત કરતાં નાજુક ઇંગલે સાથે કોઈ આકાશ શર્માએ વાત કરી હતી. આકાશ મુંબઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી બોલતો હોવાનો દાવો કરતો હતો. તેણે પ્રોસિજર માટે પહેલા એક રૂપિયો અને ત્યાર બાદ ટુકડે-ટુકડે રુ. 1.25 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેવટે નાજુકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
મોટી હસ્તીઓના ફોટા દેખાડી વિશ્વાસઘાત કર્યો
છેતરપિંડી કરનારાઓએ મોબાઇલમાં એક મેસેજ મોકલ્યો હતો, જેમાં પોસ્ટરમાં લોકોને વિશ્વાસમાં લેવા માટે વડાપ્રધાન મોદી, બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ફોટાનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે ઉત્તરપ્રદેશના લખનઉથી બે શખસને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આમ છતાં મોટી હસ્તીઓના ફોટા મૂકીને લોકો દ્વારા આબાદ ઠગાઈ કરાય છે.
વકીલબાબુનું તો 26 લાખ રુપિયાનું કરી નાખ્યું
અકોટામાં રહેતા ગુજરાત હાઈકોર્ટના જાણીતા વકીલે 3 મે, 2022ના રોજ સાયબર ક્રાઇમમાં રુ. 26.28 લાખની ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ 19 એપ્રિલ, 2022ના રોજ મધ્યરાત્રિએ તેમના મોબાઇલ પર નેટ બેંકિંગનો OTP મેસેજ આવ્યો હતો, જે તેમણે ખોલ્યો ન હતો. બીજા દિવસે વકીલબાબુ આની જાણ કરવા બેંકમાં ગયા પણ મેનેજર હાજર ન હોવાથી પરત આવી ગયા હતા. ત્યાર બાદ વકીલે રજિસ્ટર એડી.થી બેંકમાં લેટર મોકલી પોતાના બેંક એકાઉન્ટ્સ સાથે કોઇ ચેડા કરી રહ્યું હોઈ, તાત્કાલિક પગલાંની માગ કરી હતી. બેંકે કોઇ કાર્યવાહી કરી નહોતી અને પછી 24 એપ્રિલ 2022ના રોજ વકીલ સાહેબના મોબાઇલ પર ઇમર્જન્સી કોલની સ્ક્રોલિંગ આવી અને બપોરે 3 વાગ્યા આસપાસ તેમનો મોબાઇલ ઇન્ટરનેટથી જોડાતા તેમના મોબાઇલમાં હેકિંગની શંકા ગઈ હતી. તેમણે નેટ બેંકિંગ ચાલુ કરી ચેક કરતાં તેમના તેમજ દીકરી અને પત્નીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રુ. 26.28 લાખ ઊપડી ગયાનું જણાયું હતું. તેમણે આ અંગે 4 મે 2022ના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
ઓનલાઇન લોન ભરાવવા મહિલાના બીભત્સ ફોટા ફેરવ્યા
વડોદરાના કલાલીમાં રહેતી એક મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ 21 એપ્રિલથી 13 મે, 2022 દરમિયાન અજાણ્યા ઇસમે તેની જાણ બહાર તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂ. 1,950ની લોનની રકમ જમા કરી હતી. આ ઇન્સ્ટન્ટ લોન તથા હેલ્લો રૂપી લોન મોબાઇલ એપ્લિકેશન મારફત લેવાઈ હતી. એ બાદ મહિલાને અલગ અલગ નંબર પરથી વ્યાજ સાથે રૂ. 3 હજાર ભરવા દબાણ કરાયું હતું. મહિલાએ મચક ન આપી તો સાયબર માફિયાઓએ તમામ હદ વટાવીને મહિલાના આધાર કાર્ડની ઈમેજ પર "call Girl 500 for one night" એવું લખાણ લખીને તેમના કોન્ટેક્ટ લિસ્ટના બધા નંબરોને વોટ્સએપ મારફત ઈમેજ મોકલી હતી. સાયબર માફિયાઓએ આ રીતે મહિલાની દીકરીના મોર્ફ ફોટા વાઇરલ કરવાની ધમકીઓ પણ આપી હતી. આખરે મહિલાએ એપ્લિકેશન હેલ્લો રૂપી લોન, તથા ઇન્સ્ટન્ટ લોન સહિત 4 અજાણ્યા મોબાઇલ નંબર ધારકો સામે 13 મે 2022ના રોજ વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ઇન્સ્ટન્ટ લોન એપથી લીધા 10 હજાર, ભરાવ્યા 22 હજાર
વડોદરાના સુભાનપુરામાં રહેતો 28 વર્ષીય સ્નેહલ ડામોર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના મોબાઈલ નંબર પર એક લિંક આવી હતી, જેની URL પર ક્લિક કરતાં ‘વોલેટ’ એપ ઓપન થઈ ગઈ હતી. યુવકે ડાઉનલોડ કરતી વખતે જે માહિતી એપ્લિકેશને માગી હતી એ આપી દીધી. આને પગલે તરત જ લોન ન લીધી હોવા છતાં તેના એકાઉન્ટમાં રૂ. 12,250ની બાકી લોન દેખાડતી હતી. આ યુવકે ફરિયાદ નોંધાવી હતી કે તેણે 3થી 13 મે સુધી કુલ રૂ. 22,048 ઓનલાઈન ભર્યા છતાં 7 મોબાઈલ નંબરો પરથી ફોન કરીને તેને પરેશાન કરાતો હતો. આરોપીઓએ યુવકના ફોટાવાળા આધારકાર્ડ પર બીભત્સ લખાણ લખી તેના કોન્ટેક્ટ લિસ્ટમાં સંબંધીઓને મોકલી બદનામ કર્યો હતો. યુવકે 7 મોબાઈલ નંબરધારક અને 2 એપ્લિકેશન મળી 9 વિરુદ્ધ સાઇબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો છે.
કેવી રીતે ચાલે છે 'ચાઈનીઝ એપ સ્કેમ'?
આટલી સાવધાની રાખો
(હાર્દિક માકડિયા, ACP- સાયબર ક્રાઈમ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.