SHE ટીમનો સપાટો:વડોદરાના કારેલીબાગ અને હરણી વિસ્તારમાં જાહેરમાં મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરતા એક સગીર સહિત 5 ઝડપાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં મહિલાઓની જાહેરમાં છેડતીના બનાવો રોકવા મહિલા પોલીસની SHE ટીમ સક્રિય બની

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ ખાતે ગેંગરેપનો કેસના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી, ત્યાં વડોદરા શહેરમાં મહિલાઓની જાહેરમાં છેડતીના બનાવો રોકવા માટે મહિલા પોલીસની SHE ટીમ સક્રિય બની છે. શહેરમાં કારેલીબાગ અને હરણી વિસ્તારમાં છેડતીના જુદા-જુદા બનાવોમાં એક સગીર સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

શખ્સ વિદ્યાર્થિનીઓને બિભત્સ ઇશારા કરતો હતો
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર કારેલીબાગમાં આર્યકન્યા રોડ સ્થિત શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયના ગેટ પાસે સ્કૂલની વિદ્યાર્થીનીઓ પસાર થઇ રહી હતી. આ દરમિયાન સુજલ ઉર્ફે સુજ્જુ ચંદ્રકાંત પરમાર (રહે. જલારામ નગર-2 વુડાના સર્કલ પાસે, કારેલીબાગ) વિદ્યાર્થિનીઓને બિભત્સ ઇશારા કરતો હતો. જેને સી-ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

મહિલાઓને આંખથી બિભત્સ ઇશારા કરતો રોમિયો પકડાયો
કારેલીબાગમાં જ ઇન્દિરાનગર બ્રિજ પાસે સી-ટીમ તૈનાત હતી ત્યારે અકબર કાદરમીયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન બાળ રિમાન્ડ હોમ પાછળ, કારેલીબાગ) રસ્તા પરથી પસાર થઇ રહેલ મહિલાઓને આંખથી બિભત્સ ઇશારા કરતો પકડાઇ ગયો હતો. જ્યારે કારેલીબાગ હાથીખાના માર્કેટના ગેટ નંબર-1 પાસે મહોમદ સલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ (રહે. મોતીનગર મન્સુરી કબ્રસ્તાન, કારેલીબાગ) રસ્તે જતી મહિલાઓને આંખથી અને હાથથી બિભત્સ ઇશારા કરતો પકડાઇ ગયો હતો.

એક યુવક અને એક સગીર પકડાયા
હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દરજીપુરા ખાતે આવેલી ગર્લ્સ હોસ્ટેલની પાછળ સાઇબાનાથ મદારી નામનો એક યુવક અને એક સગીર અસ્લીલ ચેનચાળા કરતાં સી-ટીમ દ્વારા છકટું ગોઠવીને ઝડપી લેવામાં આવ્યા હતાં.

સમા વિસ્તારમાં ટપોરીની અટકાયત
સમા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા સમા વિસ્તારમાં વીર સાવરકર બાગ પાસે ઇવનિંગ વોક કરવા આવતી મહિલાઓને ધારી ધારીને જોઇ રહેતા ટપોરીની અટકાયત કરી હતી. પૂછપરછમાં ટપોરીએ તેનું નામ ભાવિન રાજુભાઇ ચૌહાણ (રહે, રામનગર, ખોડિયારનગર, સમા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...