વડોદરામાં મહિલાઓ અસુરક્ષિત:એક જ મહિનામાં વડોદરામાં ચેઈન સ્નેચિંગની ચોથી ઘટના, ભાગતા બાઈકર્સ CCTVમાં કેદ

વડોદરા2 મહિનો પહેલા
મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ભાગતા બાઇકર્સ.

વડોદરા શહેરમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચિંગ કરતી વિવિધ ટોળકીઓ સક્રિય બની છે. જેથી શહેરમાં જાણે મહિલાઓ અસલામત હોય તેમ એક જ મહિનામાં ચેઇન સ્નેચિંગની ચોથી ઘટના સામે આવી છે. આ વખતે ગોત્રી વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થયું છે અને ભાગતા બાઇકર્સ CCTVમાં કેદ થયા છે.

મહિલા બાળકોને ટ્યુશનથી લઇ જતી હતી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી યોગીનગર સોસાયટીમાં રહેતા સાધનાબેન રાઠોડ બાળકોને ટ્યુશનથી લઇને પરત ફરતા હતા. ત્યારે રસ્તા પર પાછળથી આવેલા બાઇક ચાલકે મહિલાને પાછળ થપાટ મારી તેના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારા ગળામાં સવા બે તોલાની સોનાની ચેઇન હતી જે તોડીને લૂંટારા ફરાર થઇ ગયા હતા. મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસે પગલા લેવા જોઇએ. મારી સાથે બે બાળકો હતા. જો તેમનું અપહરણ કરી ગયા હોત તો? મહિલાઓ હવે સોસાયટીમાં પણ સુરક્ષિત નથી.

ચેઇન સ્નેચિંગનો ભોગ બનનાર સાધનાબેન.
ચેઇન સ્નેચિંગનો ભોગ બનનાર સાધનાબેન.

બાઇકર્સ CCTVમાં કેદ
ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસના કાફોલ દોડી આવ્યો હતો અને આજુબાજુના CCTVની તપાસ કરતા તેમાં બાઇક પર આવેલ બે ચેઇન સ્નેચર કેદ થયા છે. જેના આધારે પોલીસે તેમને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સમા અને વાઘોડિયા રોડ, માંજલપુરમાં પણ ચેઇન સ્નેચિંગ થયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં મહિલાઓ અસલામત હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં સમા, વાઘોડિયા રોડ, માંજલપુર અને હવે ગોત્રી એમ છેલ્લા એક મહિનામાં રસ્તે જતી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કર્યાની આ ચોથી ઘટના સામે આવી છે. જેમાં સમા, વાઘોડિયા રોડ પર બનેલી ઘટનામાં આરોપીઓને પોલીસ ઝડપી લીધા છે ત્યારે હવે ગોત્રીમાં મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થયું છે.