ભાસ્કર વિશેષ:વિધાનસભાની 13 ચૂંટણીમાં શહેરની બેઠક પર 463 ઉમેદવાર ચૂંટણી લડ્યા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી અલગ થયા બાદ રાજ્યમાં 1962માં ચૂંટણી યોજાઈ હતી

મહારાષ્ટ્રથી અલગ થયા બાદ રાજ્યમાં 1962માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં વડોદરા શહેરમાં 3 અને વડોદરા ગ્રામ્યની 1 સીટ પર દાવેદારોએ ઉમેદવારી કરી હતી. વડોદરા શહેર અને ગ્રામ્યની સીટ મળી અત્યાર સુધીમાં 463 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે, જેમાં વર્ષ 1995માં 91 ઉમેદવારોએ ઉમેદવારી કરી રેકોર્ડ બનાવ્યો હતો.

હાલમાં વડોદરા શહેરમાં 5 વિધાનસભા બેઠકો છે અને જિલ્લામાં પણ 5 વિધાનસભા બેઠકો ફાળવવામાં આવી છે. જોકે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયા બાદ 1962માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્યમાં 154 બેઠકો પર ચૂંટણી લડાઈ હતી. આ બેઠકોમાં વડોદરા શહેરની બરોડા ઈસ્ટ, બરોડા વેસ્ટ અને બરોડા નોર્થ 3 બેઠકો પર 16 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. પહેલી ચૂંટણીમાં રાજ્યમાં 11 પક્ષોએ ઝંપલાવ્યું હતું.

ત્યારબાદ તબક્કાવાર વર્ષ 1967, 1972, 1975, 1980, 1985, 1990, 1995, 1998, 2002, 2007, 2012 અને વર્ષ 2017માં વિધાનસભા માટે મતદાન થયું હતું. શરૂઆતની ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય સ્થાનિક પાર્ટીઓનો દબદબો હતો, પરંતુ વર્ષ 1990માં શહેરમાં ભાજપે એન્ટ્રી કરી હતી. જે સમયે ભાજપે શહેરમાં પહેલી જીત મેળવી તે સમયે 26 પક્ષના અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે શહેરની 3 અને ગ્રામ્યની એક બેઠક પર 60 ઉમેદવારો મેદાનમાં હતા. ત્યારબાદ વર્ષ 1990માં 60 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. ત્યારબાદ ભાજપે 1995માં શહેરની તમામ સીટ કબજે લીધી હતી અને એ સિલસિલો હજી સુધી યથાવત્ છે. વર્ષ 2012 અને 2017માં પણ બીજેપીની લહેર વચ્ચે 43 અને 44 ઉમેદવારોએ ચૂંટણી માટે ઝંપલાવ્યું હતું.

2002માં રાવપુરામાં માત્ર 2 પક્ષના ઉમેદવાર હતા
શહેરની ત્રણ અને ગ્રામ્યની એક બેઠક પર 1962થી લડાયેલી ચૂંટણીઓમાં વર્ષ 2012માં સૌથી વધુ 41 પક્ષોએ તેમના ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી. જ્યારે 2002માં ભાજપ અને કોંગ્રેસ સહિત 40 પક્ષો પણ મેદાનમાં ઊતર્યા હતા. જોકે આશ્ચર્યની વાત એ છે કે, વર્ષ 2002માં રાવપુરા બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ એમ બે જ પક્ષો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના યોગેશ પટેલ અને કોંગ્રેસના રમેશ અંબાલાલ પટેલ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 72 ટકા મત મેળવી યોગેશ પટેલ વિજયી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...