બાળકને સ્કૂલે મોકલો:સરકારી સ્કૂલના 450 શિક્ષકે 5 હજાર વાલીઓને ઘેર જઇ સમજાવ્યા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ-બ-રૂ : ઓફલાઇન શિક્ષણના બીજા જ દિવસે સમિતિની શાળામાં ધો.1થી 5ના 5,489 વિદ્યાર્થી હાજર રહ્યા
  • ઘણાં વિદ્યાર્થીઓ બહાર હોવાથી શાળામાં પાંખી હાજરી : સપ્તાહમાં હાજરી 50 ટકાએ પહોંચવાની શક્યતા
  • શાસનાધિકારી પોતે નવાપુરા વિસ્તારમાં ફર્યા, 20% વાલી ઘરે ન મળ્યા

ધોરણ 1 થી 5 શરૂ થતાં સરકારી સ્કૂલના 450 શિક્ષકો શહેરના 20 વિસ્તારોમાં 5 હજાર કરતાં વાલીઓને રૂબરૂ મળીને શાળાએ આવવા સમજાવ્યા હતા. જેમાં તેમને સફળતા પણ મળી હતી. ઓફલાઇન શિક્ષણના બીજા જ દિવસે સમિતિની શાળામાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતાં 21,605 વિદ્યાર્થીઓમાંથી 5,489 વિદ્યાર્થીઓએ ઓફલાઇન શિક્ષણ માટે ઉપસ્થિત રહ્યા હતા.

કુલ 25.40 ટકા હાજરી રહી હતી. હજુ પણ ઘણાં વિદ્યાર્થીઓ બહાર હોવાથી શાળામાં પાંખી હાજરી જોવા મળી હતી. જોકે એક સપ્તાહમાં સમિતિમાં 50 ટકાએ ઉપર સંખ્યા પહોંચી જશે તેવો દાવો સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. શાસનાધિકારીએ જાતે પણ વિસ્તારની મુલાકાત લઇને વાલીઓને બાળકોને સ્કૂલે મોકલવા સંમત કર્યા હતા.

ધોરણ 1 થી 5 માં ઓફલાઇન શિક્ષણના પ્રારંભ સાથે જ હવે સ્કૂલોના તમામ માધ્યમો શરૂ થઇ જતા શિક્ષણની ગાડી પાટા પર આવી છે. જોકે નાના ભૂલકાઓને મોકલવા માટે હજુ પણ વાલીઓ થોભો અને રાહ જોવોની નિતિ અપનાવી રહ્યા છે. બીજી તરફ શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકો ઓફલાઇન શિક્ષકો માટે બાળકો સ્કૂલે આવે તે માટે એકશન મોડમાં આવી ગયા છે.

રવિવારે શિક્ષણ મંત્રીની જાહેરાતની સાથે જ રવિવાર-સોમવાર બે દિવસમાં શિક્ષણ સમિતિની 120 જેટલી સ્કૂલોના 450 જેટલા શિક્ષકો શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકોને ઘરે જઇને સંમતિપત્રકો આપીને સ્કૂલે આવવા માટે સમજાવ્યા હતા.

સમિતિના શિક્ષકો ગોત્રી, વારસિયા, હરણી, છાણી, નિઝામપુરા, જયરત્ન બિલ્ડીંગ વિસ્તાર નવાપુરા, સવાદ, અકોટા, આજવા રોડ, એકતા નગર, વાઘોડિયા રોડ, ખોડીયાર નગર, સયાજીપુરા, માંજલપુર ગામ, માણેજા ગામ,જીઆઇડીસી, વડસર, તરસાલી, જામ્બુઆ, સૈયદ વાસણા રોડ વિસ્તારમાં 5 હજાર કરતાં વાલીઓનો રૂબરૂ સંપર્ક કરીને તેમને સંમતિ પત્રકો આપીને બાળકોને સ્કૂલે મોકલવા માટે સંમત કર્યા હતા. મોટાભાગના વાલીઓએ બાળકોને મોકલવા માટે સંમતિ આપી હતી.

શાસનાધિકારી ધમેન્દ્રસિંહ ચુડાસમા પોતે પણ નવાપુરા વિસ્તારમાં જે બાળકો સમિતિની શાળામાં આવે છે તેમના ઘરે જઇને વાલીઓને બાળકોને સ્કૂલે મોકલવા માટે સંમત કર્યા હતા. વાલીઓ પણ તેમના બાળકોને શાળાએ મોકલા માટે સંમતિ દર્શાવી હતી. જે બાળકો ઘરે મળ્યા ના હતા તેમના વાલીઓને શિક્ષકોએ ફોન પર સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત મેસેજના માધ્યમથી પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. 20 ટકા બાળકોના વાલીઓ ઘરે મળ્યા ના હતા.

સમિતિ દ્વારા કોરોના કાળમાં શેરીએ શેરીએ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેના પગલે વાલીઓ અને શિક્ષકોનો સંપર્ક ગાઢ થયો હતો. ઓફલાઇન શિક્ષણની જાહેરાત સાથે જ શિક્ષકો જે શેરીઓમાં બાળકોને ભણાવતા હતા ત્યાં જ વાલીઓનો સંપર્ક કરીને વાલીએ સંમત કર્યા હતા.

ખાનગી શાળામાં માંડ 10% વિદ્યાર્થી હાજર
રાજય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ના ઓફલાઇન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે વાલીઓ હજુ પણ નાના ભૂલકાઓનો સ્કૂલોએ મોકલા માટે થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવી રહ્યા છે. મંગળવારે ગ્રાન્ટેડ - ખાનગી શાળાઓમાં માં 10 ટકા હાજરી જોવા મળી હતી. ગ્રાન્ટેડ - ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 5 માં હજુ પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. ઘણી ખાનગી સ્કૂલોમાં હજુ પણ સંમતિની પત્રકો મોકલાવાની કાર્યવાહી કરવામાં આવી નથી.

ખાસ કરીને સીબીએસઇ સ્કૂલો દ્વારા ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે હજુ અર્નિણત હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. ઘણી સીબીએસઇ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને સંમતિપત્રકોની કાર્યવાહી શરૂ કરી નથી. આગામી સમયમાં બેઠક વ્યવસ્થા સહિતનું મેનેજમેન્ટ ગોઠવાઇ ગયા પછી સ્કૂલો વાલીઓને સંમતિપત્રકો મોકલાવે તેવી શકયતાઓ છે.ઘણી શાળાઓ દ્વારા સંમતિ પત્રકો મોકલી દેવામાં આવ્યા છે. જોકે તેમાં પણ વિલંબ થાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...