તંત્ર એક્શનમાં:421 હથિયારો જમા કરવામાં આવ્યાં, ત્રણ પરવાના કેન્સલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના પગલે જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં
  • 848 શખ્સો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યાં

આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર વડોદરા જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાઇ એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને અસર કરી શકે એવા અથવા તો ભૂતકાળમાં કોઇ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા 848 વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેવાયાં છે.

તદુપરાંત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 155 વ્યક્તિને નોન બેલેબલ વોરંટની બજવણી કરી દેવામાં આવી છે. જ્યારે 718 હથિયાર પરવાનેદારો પૈકી 421 હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યાં છે. 3 પરવાના કેન્સલ કરાયા છે, જ્યારે 8 પરવાનેદારોને મુક્તિ આપવામાં આવી છે. બાકીના 286 હથિયારો આગામી દિવસોમાં જમા લેવામાં આવશે.

જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી સ્ટેટિક સર્વેલન્સ અને ફ્લાઇંગ સ્ક્વોડની સાથે પોલીસ જવાનો પણ ફરજ બજાવી રહ્યા છે. તેની સાથે મતદારો અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે એવી વસ્તુઓની સંભવિત હેરાફેરી રોકવા માટે જિલ્લામાં 11 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જેમાં શિનોર ખાતે બે, સાવલી, ડેસર, જરોદ, વાઘોડિયા, વડોદરા તાલુકા, ડભોઇ, પાદરા, વડુ અને કરજણ ખાતે એક-એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...