તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 40 40 Per Cent Loss In Mango millet Crop And 20 Per Cent Loss In Banana In In Tau te Hurricane In Vadodara, Farmers Demanded Fair Compensation From The Government

ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર મદદ કરે:તાઉ-તે વાવાઝોડામાં વડોદરામાં કેરી-બાજરીના પાકમાં 40-40 ટકા અને કેળમાં 20 ટકા નુકસાન, યોગ્ય વળતરની ખેડૂતોની માગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોના ઉનાળુ પાક અને બાગાયતી પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે સર્વે કર્યો - Divya Bhaskar
વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોના ઉનાળુ પાક અને બાગાયતી પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે સર્વે કર્યો
  • વાવાઝોડા બાદ વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો
  • ખેતીવાડી અને બાગાયત વિભાગે નુકસાનીનો અંદાજ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે

બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વિનાશ વેરનાર તાઉ-તે વાવાઝોડા સાથે વરસેલા ભારે વરસાદે વડોદરા જિલ્લામાં ઉનાળુ પાક બાજરી તેમજ બાગાયતી પાક કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોના ઉનાળુ પાક અને બાગાયતી પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં બાગાયતી કેરીના પાકમાં 40 ટકા અને કેળના પાકમાં 15થી 20 ટકા જેટલું નુકશાન થયું છે. જ્યારે ઉનાળુ બાજરીના પાકમાં 40 ટકા જેટલું નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનીનો અંદાજ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. બીજી તરફ ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે યોગ્ય વળતરની માગ કરી છે.

આ વર્ષે અમારે મોટુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો
વાઘોડિયાના ખેડૂત શંકરભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેરીના પાકમાં મોટાપાયે નુકસાન થયું છે, જેથી આ વર્ષે અમારે મોટુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી અમારી માગ છે કે, સરકાર યોગ્ય વળતર આપીને અમને મુશ્કેલીમાંથી ઉગારી લે.

કેળના પાકમાં 15થી 20 ટકા જેટલું નુકશાન થયું છે(પ્રતિકાત્મક તસવીર)
કેળના પાકમાં 15થી 20 ટકા જેટલું નુકશાન થયું છે(પ્રતિકાત્મક તસવીર)

તૈયાર થઇ ગયેલા બાજરીના ડુંડા સંપૂર્ણ પણે નાશ પામ્યા
વડોદરા જિલ્લામાં તાઉ-તે ચક્રવાત સાથે સરેરાશ અડધો ઇંચથી 3 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ઉનાળુ પાક બાજરીને વ્યાપક નુકસાન થયું હતુ. તે સાથે બાગાયતી પાક કેરી અને કેળના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતુ. ખેડૂતો ઉનાળુ પાક બાજરી લણવાની તૈયારીમાં જ હતા. ત્યાં તાઉ-તે ચક્રવાત સાથે વરસેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને બાજરી વગર રહેવાનો વખત આવ્યો છે. તૈયાર થઇ ગયેલા બાજરીના ડુંડા સંપૂર્ણ પણે નાશ પામ્યા હતા.

ચક્રવાતે કેરી અને કેળના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું
વડોદરા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં થયેલા ભારે વાવાઝોડા અને વરસાદને પગલે બાજરીનો ઉભો મોલ જમીનદોસ્ત થઇ ગયો હતો. તે સાથે ખેતરો પણ તળાવમાં ફેરવાઇ ગયા હતા. મોલ લણવાના સમયેજ તાઉ-તે ચક્રવાતે ખેડૂતોને રડાવ્યા છે. તેજ રીતે બાગાયત પાક કેરી અને કેળના ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. વડોદરા જિલ્લામાં આવેલી આંબાવાડીઓમાંથી કેરીઓ ઉતારવાની શરૂઆત થઇ ગઇ હતી અને કેરીઓ બજારમાં વેચાણ માટે આવી રહી હતી. ત્યાં જ ચક્રવાતે કેરી અને કેળના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

કેરીઓ ઉતારીને બજારમાં વેચવાનો સમયે જ ચક્રવાતે કેરીના 40 ટકા પાકને નુકસાન પહોંચાડ્યું(પ્રતિકાત્મક તસવીર)
કેરીઓ ઉતારીને બજારમાં વેચવાનો સમયે જ ચક્રવાતે કેરીના 40 ટકા પાકને નુકસાન પહોંચાડ્યું(પ્રતિકાત્મક તસવીર)

શાકભાજીના પાકને પણ મોટુ નુકસાન થયું
વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે તાઉ-તે ચક્રવાત બાદ વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા જિલ્લામાં ઉનાળુ પાક બાજરીને 40 ટકા જેટલું નુકસાન થયું છે. વડોદરા જિલ્લામાં 4 હજાર જેટલા હેક્ટરમાં ઉનાળુ બાજરી હતી. બાજરી કાઢવાના સમયે જ ચક્રવાત સાથે ભારે વરસાદ આવતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતુ. ખેતરોમાં તૈયાર થઇનો ઉભેલો પાક ભારે વાવાઝાડા અને વરસાદને કારણે ખરાબ થઇ ગયો હતો. તેજ રીતે શાકભાજીના પાકને પણ મોટુ નુકસાન થયું છે.

અંદાજે 6થી 7 હજાર હેક્ટરમાં શાકભાજી થાય છે
વડોદરા જિલ્લામાં પાદરા સહિત તમામ તાલુકાઓમાં શાકભાજી કરવામાં આવે છે. અંદાજે 6થી 7 હજાર હેક્ટરમાં શાકભાજી થાય છે. ચક્રવાત અને ભારે વરસાદને કારણે શાકભાજી માટે ખેતરોમાં ઉભા કરાયેલા મંડપો જમીનદોસ્ત થઇ ગયા હતા. તે સાથે શાકભાજીના છોડ જમીન દોસ્ત થઇ ગયા હતા.

ઉનાળુ પાક બાજરીને 40 ટકા જેટલું નુકસાન થયું(પ્રતિકાત્મક તસવીર)
ઉનાળુ પાક બાજરીને 40 ટકા જેટલું નુકસાન થયું(પ્રતિકાત્મક તસવીર)

ચક્રવાતે કેરીના 40 ટકા પાકને નુકસાન પહોંચાડ્યું
બાગાયત વિભાગના અધિકારી યોગેશ શાહે જણાવ્યું હતું કે, તાઉ-તે ચક્રવાત બાદ વડોદરા જિલ્લામાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. બાગાયત ખેતીમાં આવતી કેરીઓ ભારે ચક્રવાતના કારણે આંબા ઉપરથી પડી જતાં આંબાવાડીઓના માલિકોને નુકસાન થયું હતુ. વડોદરા જિલ્લામાં 1500 જેટલા હેક્ટરમાં આંબાવાડીઓ છે. કેરીઓ ઉતારીને બજારમાં વેચવાનો સમયે જ ચક્રવાતે કેરીના 40 ટકા પાકને નુકસાન પહોંચાડ્યું છે. તે જ રીતે વડોદરા જિલ્લામાં 6થી 7 હજાર જેટલા હેક્ટરમાં કેળ છે. ચક્રવાતમાં તૈયાર કેળાના છોડ જમીન દોસ્ત થઇ જતાં કેળના પાકને 15થી 20 ટકા નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...