તંત્ર એલર્ટ:કોલેરાના વધુ 4 કેસ,અધિકારીઓ અને તબીબોને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

વડોદરા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરનાં 32 હેલ્થ સેન્ટરમાં જ રોજના 3 હજારથી વધુ દર્દીની સારવાર
 • આરોગ્ય વિભાગે તાવના માત્ર 460 દર્દીઓ દર્શાવ્યા

વરસાદી પાણી ભરાતાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો શરૂ થયો છે. સોમવારે સયાજીમાં 2 અને પાલિકાના ચોપડે 2 એમ કોલેરાના 4 દર્દી નોંધાયા હતા. વાઇરલમાં 20% વસ્તી ભોગ બની રહી હોવા સાથે આરોગ્ય વિભાગે આડકતરી રીતે રોગચાળો વકર્યો હોવાનું સ્વીકારી અર્બન સેન્ટરના તબીબો અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા તેમજ જરૂર વગર રજા ન લેવા પરિપત્ર કર્યો છે. 32 હેલ્થ સેન્ટરમાં 125થી 160 કેસ નોંધાય છે. જે આંકડો રોજ 3 હજારથી વધુ લોકો બીમાર પડતા હોવાનું જણાવે છે. સોમવારે આરોગ્ય વિભાગે માત્ર 460 દર્દી તાવના દર્શાવ્યા છે.

આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો જોવા મળશે. ઓગસ્ટમાં દર્દી વધતા હોય છે. ઝાડા-ઊલટીના 3 દર્દી પણ નોંધાયા છે. બીજી તરફ કારેલીબાગના કોર્પોરેટરે તબીબને ફોન કરી 15 જણ બીમાર હોવાથી વાઇરલની દવા આપવા જણાવ્યું હતું. સૂત્રો મુજબ સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓ અને કોર્પોરેટરો પણ વાઇરલની ઝપટમાં આવ્યા છે.

કયા વિસ્તારમાં રોગચાળો વકર્યો

 • ચિકનગુનિયા : રામદેવ નગર, કિશનવાડી, યમુના મિલ, એકતાનગર, ગોત્રી, દિવાળીપુરા, નવાયાર્ડ
 • ડેન્ગ્યૂ : એકતાનગર, ગોકુલનગર, ભાયલી
 • કોલેરા : ગાજરાવાડી, ફતેપુરા
 • કમળો : માંજલપુર

હોસ્પિટલમાં નોંધાયેલા કેસ

 • ​​​​​SSG : કમળો ઃ 12
 • ડેન્ગ્યૂ : 12 કોલેરા : 2
 • ચિકનગુનિયા : 5
 • કોર્પોરેશન ઃ મલેરિયા 1
 • ઝાડા 56 તાવ 460
 • ચિકનગુનિયા 7 કોલેરા 2 ઝાડા-ઊલટી 3

મલેરિયાના 2386 ટેસ્ટ કરાયા
આરોગ્ય વિભાગના આંકડા મુજબ સોમવારે મલેરિયાના 2386 ટેસ્ટ કરાતાં 1 પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ મુજબ મલેરિયા નાબૂદ થઈ રહ્યો છે, પરંતુ 2386 લોકોને શરદી-ખાંસી, તાવ જેવાં મલેરિયાનાં લક્ષણો સ્પષ્ટપણે જણાય છે.

દંતેશ્વરના મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છતાં સરનામું ન મળ્યું
​​​​​​​આરોગ્ય વિભાગને દંતેશ્વરના 38 વર્ષીય યુવકનું સરનામું 4 દિવસે પણ મળ્યું નથી. મૃત યુવકનું એસએસજીમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. સયાજીના રેકોર્ડમાં મૃતકના સ્વજનનો નંબર અને મકરપુરા પોલીસના અધિકારીઓના નંબર હોવા છતાં આરોગ્ય વિભાગ કહે છે કે, દંતેશ્વરમાં આવો કોઈ વ્યક્તિ રહેતો નથી.

ઘરમાં તમામ સભ્યો વાઇરલમાં સપડાયા
​​​​​​​પરિવારના તમામ 6 સભ્યો વાઇરલમાં સપડાયા છે. કોરોનાકાળની જેમ ફરી નાસ લેવાની સાથે લીંબુનું જ્યૂસ સહિત વિટામિન સી લેવાનું શરૂ કર્યું.> કેતન શાહ, પ્રતાપનગર

​​​​​​​ફરી કોરોના થયો હોય તેવો ડર લાગે છે
વાઇરલથી તાવ આવતાં કોરોના થયાનો ડર લાગે છે. બાળકો શાળાએથી આવી શરદી-ખાંસીની ફરિયાદ કરે તો ઘરે રાખેલી કિટથી ટેસ્ટ કરીએ છીએ.> કિંજલ ચોક્સી, ગોત્રી

અન્ય સમાચારો પણ છે...