સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમો તેમજ ધ્વજ સહિતની સાધન સામગ્રી ખરીદવામાં આવનાર છે. જેનો તમામ ખર્ચ બાધ વિના કરવા મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિની મંજૂરી માગી છે. પાલિકા દ્વારા શહેર માટે 20*30ના માપના 3 લાખ ધ્વજ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ પાલિકા આ માટે રૂા.16 લાખના ખર્ચે 4 લાખ લાકડીઓ ખરીદવાની છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે શહેરમાં તમામ ઘરો, વેપાર-ધંધાનાં સ્થળો, ધાર્મિક સ્થાનો સહિતનાં સ્થળોએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો ફરકાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પાલિકાને 3 લાખ ધ્વજની ફાળવણી પણ કરવામાં આવી છે. પાલિકાએ હવે ધ્વજ માટે લાકડીની જરૂરિયાત હોવાથી સ્થાનિક વેપારી આશા બાપુભાઈ પાસેથી પ્રતિ સ્ટિક રૂા.4 લેખે 4 લાખ લાકડી ખરીદવાનું નક્કી કર્યું છે. જે માટે રૂા. 16 લાખ પૈકી 50 ટકા એડવાન્સ રકમ ચૂકવવાની થાય છે.
આ સિવાય ધ્વજના વેચાણ માટે સ્ટોલ, સ્ટેજ, ફરાસખાના, ફોટોગ્રાફી, પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે પણ નાણાંની જરૂરિયાત રહેશે. જેથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આનુષંગિક તમામ ખર્ચ અર્થેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી જે લોકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરશે તેમને સાથે લાકડી આપવામાં આવશે કે કેમ ? તે બાબતે ભારે અવઢવ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.