તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:PIનાં ગુમ પત્નીના સગડ માટે 4 તળાવ ઉલેચ્યાં,8 કિમી સુધી ડ્રોન કેમેરાથી સર્ચ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પીઆઇ દેસાઈની ગુમ થયેલી પત્નીને શોધવા માટે પોલીસ દ્વારા દહેજ પંથકમાં 8 કિમી વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સર્ચિંગ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
પીઆઇ દેસાઈની ગુમ થયેલી પત્નીને શોધવા માટે પોલીસ દ્વારા દહેજ પંથકમાં 8 કિમી વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સર્ચિંગ કરવામાં આવ્યું હતું.
  • સર્ચ ઓપરેશનમાં ડોગ સ્ક્વોડને સાથે રખાઈ, લોકો પાસેથી પણ માહિતી મેળવાઈ

વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનારા પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વિટી પટેલ 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાના પ્રકરણમાં ગુરુવારે પણ પોલીસના કાફલાએ ડોગ સ્ક્વોડને સાથે રાખીને દહેજ પંથકનાં 4 તળાવો અને નદીમાં તપાસ કરવા સાથે 8 કિમી સુધી ડ્રોન કેમેરાથી સર્ચ કરાયું હતું.

પોલીસે દહેજ, અટાલી અને આસપાસના 8 કિમી વિસ્તારમાં ડ્રોન કેમેરાથી સર્ચિંગ કર્યું હતું, જોકે મોડી સાંજ સુધી ફળદાયી કડી મળી નહતી. પોલીસે ઝાડી ઝાંખરાં, નદી-તળાવો અને અવાવરુ જગ્યાઓએ તથા મેદાનોમાં સર્ચ કર્યું હતું. લાંબો વિસ્તાર હોવાથી ડ્રોન કેમેરાની મદદ લીધી હતી.

કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા જિલ્લા એસઓજી પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. 37) 5 ગત જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. 1 માસ પછી પણ સ્વિટી પટેલની ભાળ ન મળતાં જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. જિલ્લા પોલીસે દહેજ અને તેની આસપાસનાં ગામોમાં બુધવારે શરૂ કરેલું સર્ચ ઓપરેશન ગુરુવારે ચાલુ રહ્યું હતું. પોલીસે દિવસભર 8 કિમી વિસ્તારમાં નદી નાળાં, તળાવો અને મેદાની વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સર્ચિંગ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, પીઆઇ દેસાઇ અને તેમનાં પત્ની ભૂતકાળમાં દહેજ પંથકમાં ગયાં હોવાથી સર્ચ કર્યું હતું અને લોકો પાસેથી માહિતી મેળવી હતી, પણ ભાળ મળી ન હતી. આ ગામોમાં પોલીસે ડોગ સ્ક્વોડને પણ સાથે રાખી હતી.

સ્વીટી પટેલની તસવીર
સ્વીટી પટેલની તસવીર

પીઆઇ અને તેમનાં પત્નીની કોલ ડિટેઇલનો અભ્યાસ
પોલીસે પીઆઇ અને તેમનાં પત્નીની કોલ ડિટેઇલ પણ મગાવી છે અને તેમની કોની કોની સાથે કયા સંદર્ભમાં વાતચીત થઇ હતી તે મુદ્દા પર તપાસ કરાઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાવના દિવસે કે રાત્રે પીઆઇનાં પત્નીની કોઇની સાથે વાતચીત થઇ હતી કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. પીઆઇની પત્નીને શોધવા ટેક્નિકલ સર્વેલન્સનો સહારો પણ લેવાયો છે પણ કોઇ કડી મળી શકી ન હતી.

આજે પણ PI દેસાઈનો સીડીએસ ટેસ્ટ કરાશે
પીઆઇ દેસાઇની વર્તણૂક અંગે સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે પીઆઇને લઇ પોલીસ ગાંધીનગર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે, એસડીએસ ટેસ્ટ માટે વધુ એક દિવસ લંબાવાયો છે અને શુક્રવારે ટેસ્ટ કરાવાય તેવી શક્યતા છે.

એ.એ. દેસાઇ, PI
એ.એ. દેસાઇ, PI

સુરત સહિતનાં સ્થળો પર પોલીસની તપાસ કરાઈ
પીઆઇની પત્નીએ ભૂતકાળમાં સુરતમાં પણ નોકરી કરી હોવાનું જણાતાં પોલીસે સુરતમાં તેમનાં સંપર્કોને ત્યાં તપાસ કરી હતી. બીજી તરફ પોલીસે પીઆઇની કંપાસ જીપ કારની પણ એફએસએલ દ્વારા ચકાસણી કરાવી હતી.

સમા-સાવલી રોડના ઘરે એફએસએલ દ્વારા ચેકિંગ
ગુરુવારે સવારે અને બપોરે એફએસએલને સાથે રાખી પીઆઇ દેસાઇના સમા-સાવલી રોડ લીલેરિયા એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં પોલીસે તપાસ કરી હતી. તેમની સાથે પીઆઇ પણ ગયા હતા. પીઆઇ આ સ્થળે ભાડાના મકાનમાં રહેતા હતા. કરજણની પ્રયોશા સોસાયટીના સીસીટીવી ચકાસાયા હતા. પીઆઇનાં પત્ની કેટલા વાગે જતાં રહ્યાં તેની તપાસ ચાલુ છે. પોલીસે ફુટેજ પણ મેળવ્યા છે પણ તેમાંથી કડી મળી નથી. પોલીસે ટોલનાકા અને હાઇવેની હોટલોના સીસીટીવી ફૂટેજ પણ ફંફોસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...