વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં આયોજિત એશિયાના સૌથી મોટા વિન્ટેજ કાર શોમાં બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી 4 વિન્ટેજ જીપ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાંથી 1 જીપ ઇડરના રાજકુમાર સુર્યવીરસિંહની, બે કાર સુરતના એડ્વોકેટ કપિલ આહિરની છે. 4 જીપમાંથી 3 જીપને સચિનના નવાબ દ્વારા રી-સ્ટોર કરવામાં આવેલી છે. આ ચારેય જીપ બીજા વિશ્વયુદ્ધમાં વર્ષ-1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવી હતી.
80 વર્ષ પહેલા પણ જીપમાં સેફ્ટી ફીચર્સ હતા
ઇડરના રાજકુમાર સુર્યવીરસિંહ ઇડરે જણાવ્યું હતું કે, અમારી પાસે ઘણી વિન્ટેજ કાર છે. જેમાંથી આ જીપ 1942ની છે, જે બીજા વિશ્વ યુદ્ધમાં વપરાઈ હતી. આ જીપ અમે અહીં કાર શોમાં લઈને આવ્યા છીએ. બીજા વિશ્વ યુદ્ધ પછી જીપ્સ ઇન્ડિયન આર્મી પાસે આવી હતી. ત્યાર બાદ રાજવી પરિવારોએ આ જીપો લીધી હતી. આ જીપને સચિનના નવાબ ફૈસલખાને રિસ્ટોર કરી છે. હાલ જીપ રનિંગ કન્ડીશનમાં જ છે. આ જીપની પાછળ ટ્રોલી પણ લાગેલી છે. જેમાં બીજા વિશ્વ યુદ્ધ સમયે સૈનિકો અને દારૂ ગોળાને લઈ જવામાં આવતા હતા. જીપને લાઈટ ચાલુ કરીએ તો ટ્રોલીમાં પણ લાઈટ થાય, જીપને બ્રેક મારીએ તો ટ્રોલીને પણ બ્રેક લાગે છે. 80 વર્ષ પહેલા પણ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા હતા. આ જીપના પાર્ટ્સ અહીં મળતા નથી, જેથી પાર્ટ્સ USથી ઇમ્પોર્ટ કર્યાં હતા.
મારી બંને જીપ બીજા વિશ્વ યુદ્ધમાં વપરાઈ હતી
2 જીપના માલિકા સુરતના કપિલ રામુભાઈ આહિરે જણાવ્યું હતું કે, મને લુક પરથી ગાડી ગમી ગઈ હતી. જેથી મે આ ગાડી ખરીદીને તેને રિસ્ટોર કરવાનું નક્કી કર્યું હતું. મારી પાસે બે વિન્ટેજ જીપ છે. બંને બીજા વિશ્વ યુદ્ધમાં વપરાઈ હતી. આ બંને ગાડીઓને સચિનના નવાબ ફૈસલખાન સાહેબે રિસ્ટોર કરી છે. બીજા વિશ્વ યુદ્ધની બે ગાડીઓ મારી પાસે છે અને ચાલુ કન્ડીશનમાં છે, તેનો મને ગર્વ છે.
3 જીપ મેં રિસ્ટોર કરી છે
સચિનના નવાબ ફૈસલખાને જણાવ્યું હતું કે, આ ગાડીઓ બીજા વિશ્વયુદ્ધમાં યુ.એસ. આર્મી માટે 1941થી 1954 વચ્ચે બની હતી. તે વખતે 5 લાખ 70 હજાર જેટલી ગાડીઓ યુ.એસ. આર્મીએ બનાવી હતી. યુદ્ધ પૂર્ણ થયા પછી આર્મી માટેનો ઉપયોગી સામાન કાઢીને સિવિલિયન્સને વેચવામાં આવી હતી. સમય જતા આ ગાડીઓ દુર્લભ થવા લાગી. કપિલ આહિર ગાડીઓને રિસ્ટોર કરાવવા માટે મારી પાસે આવ્યા હતા. મેં પૂરેપુરો પ્રયત્ન કરીને તેને રિસ્ટોર કરી છે. તેની ઘણી વિશેષતાઓ છે. યુદ્ધમાં સોલ્જરને એન્ડ પોઈન્ટ સુધી લઈ જતી હતી. આ જીપ્સ થકી જ US બીજા વિશ્વ યુદ્ધમાં જીત્યું હતું.
5.70 લાખ જીપ બનાવી હતી
પાંચ વર્ષ ચાલેલાં વર્લ્ડ વોરમાં આ બન્ને કંપનીઓએ 5.70 લાખ જેટલી આ મોડેલની જીપ બનાવી હતી. જેની ખાસીયતો પણ અનેક ગણી છે. પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચર બંધ કરી દેવાયું હતું. આ જીપને રિસ્ટોર કરવામાં 7 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. આ કારમાં જે સામાન હોવો જોઈએ તે જ નાંખવામાં આવ્યો છે. જે સામાન યુ.એસ કંપનીનો હતો. તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરાયો હતો.
નવાબ ફૈસલખાન પાસે વિન્ટેજ કાર્સનું મોટું કલેક્શન છે
નોંધનીય છે કે, સચિનના નવાબ ફૈસલખાન પાસે વિન્ટેજ કાર્સનું મોટું કલેક્શન છે. ગાડીઓના શોખીનની શ્રેણીમાં આવતાં નવાબ ફૈસલખાનના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ 3 જીપ તૈયાર કરવામાં આવી છે.
આ જીપ 100 કિલોમીટરની ઝડપે ચાલે છે
યુ.એસ આર્મીના ઓર્ડર મુજબ આ સેમ ડિઝાઈન યથાવત રાખીને ફોર્ડ કંપનીએ આ જીપ બનાવી હતી. આ કારમાં માત્ર 3 ગિયર, લેફ્ટ હેન્ડ સ્ટેયરીંગ, સ્પેશિયલ વાયરલેશ સેટ, એન્ટિ એરક્રાફ્ટ ગન, વીંચ સીસ્ટમ (1100 કિલોગ્રામ વજન ખેંચી શકે તેટલો પાવર એન્જિન જનરેટ કરે છે), લેથ મશીન સિસ્ટમ, કોમ્બેડ વ્હીલ રીમ્સ-મીટર ગેજ ટ્રેન (જીપના ટાયર કાઢી નાંખી તેને ટ્રેનના ટ્રેક ઉપર પણ દોડાવી શકાય તેવી ડિઝાઈન વ્હીલ રીમની છે). 4 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન 57 એચ.પી જનરેટ કરે છે. આ જીપકારમાં માત્ર 6 વોટ્સ બેટરીનો ઉપયોગ થાય છે. ફોર વ્હીલ એન્જિન અને ફોર વ્હીલ બ્રેક ધરાવતી આ કાર 100 કિલોમીટરની ઝડપે ચાલે છે.
યુદ્ધ માટે સ્પેશિયલ ડિઝાઇન કરાઈ હતી
રાત્રિ સમયે આ જીપ કારને ચલાવવા માટે કંઈક અલગ ટ્રીક અપનાવાતી વિશ્વ યુદ્ધ સમયે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે એકી સાથે મોટી સંખ્યામાં આ જીપ કાર જરૂરી સામાન સાથે રાત્રીના સમયે નિકળતી હતી. કાદવ કિચડમાં કાર ફસાઈ ન જાય તે માટે સ્પેશિયલ ચેઈન ટાયર ઉપર લાગતી હતી. એર સ્ટ્રાઈકના સમયે રાત્રિના અંધારામાં દુશ્મનોને ગાડીઓની ભનક પણ ન લાગે તે માટે લાંબી હરોળમાં ચાલતી પ્રથમ કાર જ હેડલાઈટનો ઉપયોગ કરતી બાકી બધી જીપકાર કેટ્સ આઈ લાઈટ્સનો ઉપયોગ કરતી.
કેટ્સ આઈ લાઈટમાંથી માત્ર ત્રણ કિરણો નિકળતાં જે આગળ ચાલતી જીપની પાછળ લાગેલી લાઈટ રીફલેક્ટરના અંદાજે ચાલતી હતી. આ ગાડીમાં પેટ્રોલ ટેન્ક બરાબર સીટની નીચે ગોઠવવામાં આવી છે. પેટ્રોલ ટેન્કની આજુબાજુનો અમુક હિસ્સો પાણીથી ભરેલો રખાતો જેથી રણની ગરમીમાં આ પાણી પેટ્રોલ ટેન્કને સામાન્યત: ઠંડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હતું.
200 વિન્ટેજ કાર પ્રદર્શિત કરાઇ
વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો યોજાયો છે. જેમાં દેશ-વિદેશમાંથી આવેલી વિન્ટેજ કાર્સ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં 9 વિન્ટેજ રોલ્સ રૉયસ સહિત બેન્ટલી મસ્ટાંગ, મર્સિડિઝ વગેરે 200 ગાડીઓ પ્રદર્શિત કરાઇ છે. સાથે વિન્ટેજ ટુ-વ્હિલર્સ પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.