શહેરમાં ચોમાસામાં સરેરાશ 41 ઈંચ વરસાદ વરસે છે.જેમાં જુલાઈમાં 11 ઈંચ વરસાદ વરસે છે. જોકે ચાલુ વર્ષે ચોમાસાની સિસ્ટમ નબળી હોવાથી 7 ઈંચ વરસાદ વરસ્યો છે. જેથી 4 ઈંચ વરસાદની ઘટ નોંધાઈ છે. ઓગસ્ટના 10 દિવસમાં ટીપંુય વરસ્યુ નથી. જુન મહિનામાં 8.26 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદની ઘટના પગલે આજવાની સપાટી પર પણ અસર પહોચશે. હાલ આજવાની સપાટી 206.80 ફુટ છે. પાલિકાના જણાવ્યા અનુસાર, આગામી 1 મહિના સુધી જો શહેર કે ઉપરવાસમાં વરસાદ ન વરસ્યો તો શહેરમાં 5 થી 10 એમએલડી સુધી પાણીનો કાપ પાલિકા મુકી શકે છે.
જોકે આજવાની સપાટી 205 ફુટથી નીચે પહોચતા જ તંત્ર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાંથી આજવામાં પાણી ભરવામાં આવશે. આજવાની સપાટી 205 ફુટ કે તેથી નીચે પહોચે ત્યારે શહેરને પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. જોકે પાલિકા દ્વારા 1 મહિનો વરસાદ નહી વરસે તો નર્મદામાંથી પાણી લેવાની તૈયારી રાખી છે.
શહેરમાં વરસાદની ગતિવિધીઓ બંધ થઈ જવાથી સોમવારે ગરમીનો પારો 1.2 ડિગ્રી વધીને 34.6 ડિગ્રી પહોચી ગયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી પહોચ્યું છે. ભેજનું પ્રમાણ સવારે 73 ટકા તો સાંજે 51 ટકા નોંધાયું હતું. મંગળવારના રોજ પણ વરસાદની કોઈ સંભાવના નથી જ્યારે ગરમીનો પારો 35 ડિગ્રી સુધી નોંધાશે.
એક મહિનો વરસાદ ન પડે તો નર્મદામાંથી પાણી લેવું પડશે
પાલીકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજવાની સપાટી 205 ફુટ થાય ત્યાં સુધી શહેરને પાણીની કોઈ તકલીફ પડવાની જ નથી. હાલ શહેરને દિવસનું 550 એમએલડી પાણી અપાય છે. જેમાં 150 એમએલડી પાણી આજવા સરોવરમાંથી,300 એમએલડી મહીસાગરમાંથી અને 75 એમએલડી ખાનપુર તેમજ ટ્યુબવેલમાંથી પાણી પુરૂ પડાય છે. 30 દિવસમાં વરસાદ નહી વરસે તો નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી લેવાશે.
નર્મદામાંથી પાણી લેવા પ્રતિ એક હજાર લિટરના ~4 ચૂકવવા પડે છે
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નર્મદામાંથી પાણી વિનામૂલ્યે લેવા સરકારને રજૂઆત કરાશે. નર્મદામાંથી હાલ પાણી લેવાનો ચાર્જ રૂા.4 ચુકવતા 1 હજાર લીટર પાણી મળે છે. જ્યારે1 એમએલડી પાણીના રૂા.1 હજાર થાય છે.
અગાઉ સુખી ડેમમાંથી પાણી લેવાયું હતું
વર્ષ 2000માં જ્યારે નર્મદા કેનાલ ન હતી ત્યારે પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાંથી વાયા દેવ ડેમથી આજવામાં પાણી લેવાયું હતું. જ્યારે વર્ષ 2017-18માં આજવાની સપાટી 203 ફુટે પહોચતા નર્મદામાંથી પાણી લેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.