મેઘ મહેર યથાવત:ડભોઈમાં 4 ઈંચ, વડોદરામાં અઢી અને શિનોરમાં 3.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા

વડોદરા5 મહિનો પહેલા
ભારે વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા
  • આજવા સરોવર- 208.60 ફૂટ, પ્રતાપ સરોવર-222.70 ફૂટ, વિશ્વામિત્રી નદી 8 ફૂટ
  • શહેર-જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાંપટા સાથે વરસી રહેલો વરસાદ
  • શહેર અને જિલ્લામાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, લોકોની હાલત કફોડી

હવામાના વિભાગ દ્વારા તા.15 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે સમગ્ર વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી મધ્યમથી ભારે વરસી રહેલા વરસાદને પગલે વડોદરા શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોની હાલત કફોડી બની ગઇ છે.

સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચોવિસ કલાક દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં અડધો ઇંચથી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે આજવા સરોવરમાં પણ પાણીની ધીમી ગતિએ આવક થઇ રહી છે. આજવા સરોવર- 208.60 ફૂટ, પ્રતાપ સરોવર-222.70 ફૂટ, વિશ્વામિત્રી નદી 8 ફૂટ નોંધાઇ છે. સતત વરસી રહેલા વરસાદ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં સર્જાયેલી પૂરની સ્થિતીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે.

સરદાર એસ્ટેટ સુપર બેકરીની નજીક કોમ્પલેક્ષની બાલ્કનીનો પહેલા અને બીજા માળનો બાલ્કનીને કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો.
સરદાર એસ્ટેટ સુપર બેકરીની નજીક કોમ્પલેક્ષની બાલ્કનીનો પહેલા અને બીજા માળનો બાલ્કનીને કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો.

કોમ્પલેક્ષની બાલ્કનીને હિસ્સો તૂટ્યો
વડોદરા શહેરમાં વરસાદને પગલે સરદાર એસ્ટેટ સુપર બેકરીની નજીક સેશ નારાયણ કોમ્પલેક્ષની બાલ્કનીનો પહેલા અને બીજા માળનો બાલ્કનીને કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. જો કે બનાવમાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ નથી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને મહિલાઓ અને બાળકો સહિત 5 લોકોને ક્રેઇનની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

નાગરવાડાના પટેલ ફળિયા સામે એક વૃક્ષ તૂટી પડ્યું હતું.
નાગરવાડાના પટેલ ફળિયા સામે એક વૃક્ષ તૂટી પડ્યું હતું.

શહેરમાં ઝાડ પડવાના પાંચ બનાવ
વડોદરામાં વરસાદને કારણે નાગરવાડાના પટેલ ફળિયા સામે એક વૃક્ષ તૂટી પડ્યું હતું. જેને ફાયરબ્રિગેડ દ્વારા કાપીને દૂર કરવામાં આવ્યું હતું. ગત રાત્રે બહુચરાજી સ્મશાન પાસે વડનું ઝાડ, અમિતનગરમાં એક્સિસ બેંક સામે એક વૃક્ષ તેમજ નરહરી હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચે એક વૃક્ષ તૂટી પડ્યું હતું. ગોરવામાં કરોડિયા રોડ પર લક્ષ્મીનારાયણ નગર પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતુ.

ભારેથી અતિભારે વરસાદના એંધાણ આપતા ગોરંભાયેલા વાદળો
ભારેથી અતિભારે વરસાદના એંધાણ આપતા ગોરંભાયેલા વાદળો

આકાશમાંથી સોનું વરસતા ધરતીપુત્રો ખૂશખુશાલ

લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. જોકે, આકાશમાંથી વરસી રહેલા સોનાને પગલે શહેરીજનો અને ધરતીપુત્રોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ પણ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરા શહેરમાં છેલ્લા છેલ્લા ચોવિસ કલાકમાં 66 મિ.મી. વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આજે પણ વહેલી સવારથી સમયાંતરે મધ્યમથી ભારે વરસાદનો દોર ચાલુ રહેતા મહેનતકશ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

શહેરમાં સવારથી જામેલા વરસાદી માહોલને પગલે ફૂટપાથવાસીઓ અને ઝૂંપડાવાસીઓની હાલત કફોડી બની ગઇ હતી. રોજ કામ કરીને પેટીયું રળતા મહેનતકશ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. તો બીજી બાજુ સેવ-ઉસળ, ભજીયાની લારીઓ ઉપર ચટાકેદાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરમાં સવારથી છત્રી અને રેઇનકોટની જુગલબંધી જોવા મળી હતી. નોકરી-ધંધાર્થે જતા લોકો માર્ગો ઉપર ભરાયેલા પાણીના પગલે અટવાઇ ગયા હતા. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાના બનાવવામાં આવેલા રસ્તાઓ હવે ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યા છે.

નદી-નાળા છલકાઇ જતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા
નદી-નાળા છલકાઇ જતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા

ડભોઇ તાલુકામાં ભારે વરસાદને પગલે નદી-નાળાં છલકાયા

ડભોઇ તાલુકામાં પડેલા 4 ઇંચ વરસાદ અને ઢાઢર નદીમાં આવેલા પૂરના પગલે તાલુકાના લોકોની હાલત કફોડી બની ગઇ છે. તાલુકાના બનૈયા ગામના 400 લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ગરીબ પરિવારોને ભારે નુકશાન થયું છે. ઢાઢર નદીના પાણી માર્ગો ઉપર ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. નોકરી-ધંધાર્થે જતાં લોકો તેમજ ગામડાઓમાંથી સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓ પણ અટવાઇ પડ્યા હતા. ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયા છે. તો કેટલાંક ગામોના તળાવો ભરાઇ ગયા હતા. તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે ખેતીના પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.

વડોદરાનો પૂર નિયંત્રણ કક્ષ
વડોદરાનો પૂર નિયંત્રણ કક્ષ

વરસાદના પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન વાઘોડિયા તાલુકામાં 2 ઇંચ (53 મિ.મી.), શિનોર તાલુકામાં 3.5 ઇંચ (86 મિ.મી.) અને ડભોઇ તાલુકામાં 4 ઇંચ (96 મિ.મી.) ખાબકેલા વરસાદને પગલે તાલુકા મથકોમાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. વહેલી સવારથી લોકોને પોતાના ઘરોમાં ઘૂસેલા પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. સમગ્ર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે અને દેવ અને ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણી માર્ગો ઉપર ફરી વળતા અનેક માર્ગો બંધ થઇ જતાં, નોકરી-ધંધાર્થે જતા લોકો અટવાઇ પડ્યા હતા. નિચાણવાળા વિસ્તારના લોકોને ગામ લોકો દ્વારા સલામત સ્થળે ખસેડવાની તેમજ તેઓને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડોદરા શહેર-જિલ્લામાં સતત ચાલુ રહેલો વરસાદ
વડોદરા શહેર-જિલ્લામાં સતત ચાલુ રહેલો વરસાદ

નદી, સરોવરની સપાટીઓમાં ક્રમશઃ વધારો

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન આજવા સરોવર સ્ત્રાવ વિસ્તારમાં 66 મિ.મી. વરસાદ નોંધાતા સરોવરની સપાટીમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ પ્રતાપ સરોવરની સપાટી 222.70 ફૂટે પહોંચી જતાં આજવા સરોવરની સપાટીમાં ક્રમશઃ વધારો થશે. મધ્યમથી ભારે વરસી રહેલા વરસાદને પગલે અને શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતા વિશ્વામિત્રી નદીની સપાટી 8 ફૂટે પહોંચી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા તા.15 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે નાળા, નદીઓ અને સરોવરની સપાટીમાં વધારો થશે. ત્યારે સંભવતઃ વિશ્વામિત્રી નદીમાં પણ પૂરની સ્થિતી સર્જાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.