રીંછના હુમલાની ઘટના:મોં ફાડી નાંખતાં સયાજીમાં આધેડની 8 ટીમે 4 કલાક સર્જરી કરી, મોઢા પર 300થી વધુ ટાંકા લીધા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આધેડને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે - Divya Bhaskar
આધેડને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
  • પ્લાસ્ટિક સર્જરી-એનેસ્થેસિયા વિભાગની 8 લોકોની ટીમ સર્જરીમાં જોડાઈ
  • ખાનગી દવાખાનામાં આ પ્રકારની સર્જરી કરાવવામાં આવે તો રૂા. 4 લાખ જેટલો ખર્ચ થાય

છોટાઉદેપુરના આંબાખૂટ ગામે રીંછે 55 વર્ષીય આધેડનું મોં ફાડી નાંખ્યું હતું. આ આધેડને તેના પરિવારજનો આંખના પોપચા, નાક, ગાલ સહિતનો ભાગ ફાડી ખાતા ચહેરાની બાકી વધેલી ત્વચા સાથે લોહી નિંગળતી હાલતમાં રાત્રે તેના પરિવારજનો એસએસજીમાં લાવ્યાં ત્યારે હાજર તબીબો પણ અવાચક થઇ ગયા હતા.

આ દર્દીનું સયાજી હોસ્પિટલમાં 4 કલાકની પ્લાસ્ટિક સર્જરી-એનેસ્થેસિયા વિભાગના 8 તબીબોની ટીમે સર્જરી કરી હતી. આ સર્જરી દરમિયાન 300થી વધુ ટાંકા લેવામાં આવ્યાં હતા. પ્લાસ્ટિક વિભાગના સર્જન ડો. શૈલેશ સોનીએ જણાવ્યું કે, સામાન્યત : આટલી ઇન્જરી હોય ત્યારે સર્જન માટે પણ પડકારરૂપ હોય છે. સવારે 9 વાગ્યાથી એક વાગ્યા સુધી આ સર્જરી ચાલી હતી. ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીનો ખર્ચ રૂ.4 લાખની આસપાસ આવી શકે છે. આ દર્દી હાલમાં હોશમાં છે, 4 દિવસમાં મોંનો સોજો ઓછો થશે. દર્દીને દોઢથી બે મહિના હોસ્પિટલમાં રાખવો પડશે.

6 તબીબોની ટીમે આ રીતે પાર પાડી ચાર કલાકની સર્જરી

  • સર્જરી પહેલા - ધનુર અને હડકવા બંનેના અને સાથે એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપવામાં આવ્યું. તેને બેભાન કરવો હતો પણ નાક ન હતું. તેથી તાબડતોબ એનેસ્થેટિસ્ટ વિભાગના તબીબોને બોલાવીને સાવચેતીપૂર્વક એનેસ્થેસિયા અપાયો અને બેશુદ્ધ કરવામાં આવ્યો.
  • સર્જરીનો પહેલો કલાક - બ્લડપ્રેશર સહિતના ટેસ્ટ નોર્મલ હતા. તેથી પહેલા કલાક દરમિયાન દર્દીનો ચહેરો વિશેષ સોલ્યૂશન અને પાણીનો ઉપયોગ કરાયો હતો. દર્દીના ઘામાં ઘાસના તણખા, પાંદડા અને માટી પણ જમા હતી, જેને સાફ કરવી જરૂરી હતા. નષ્ટપ્રાય થયેલા હાડકા કાઢાયા.
  • સર્જરીનો બીજો કલાક - નાક અને ગાલના ભાગોને આકાર આપવા 5 ટાઇટેનિયમ પ્લેટ્સ નાંખવામાં આવી. આંખની નીચેના પોપચા ખવાઇ ગયા હતા. તેથી આંખોને પણ સપોર્ટ આપવામાં આવ્યો. આ દરમિયાન તમામ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી હતી.
  • સર્જરીના બાકીના બે કલાક - એકવાર હાડકાઓ, ત્વચા અને ટાઇટેનિયમ પ્લેટ્સ ગોઠવાઇ ગયા બાદ તેના ચહેરાની ત્વચાને ગોઠવીને ટાંકા લેવાના શરૂ કરવામાં આવ્યાં. 300 કરતા વધુ ટાંકા લેવાયા. ત્યારબાદ તેના ચહેરાને બેન્ડેજ (પાટા)ઓથી ઢાંકી દેવાયો.

પડખું ફેરવે તો ચહેરો માંસના લોચા સાથે ઢળી પડતો હતો
દર્દી મડુભાઇ રાઠવાના પુત્ર પ્રવીણે જણાવ્યું કે, ‘રવિવારે રાત્રે 7.30 વાગ્યે બનાવ બન્યો તે અગાઉ તેમની બૂમો સાંભળીને લોકો દોડી આવ્યાં હતા. તેમને લાવ્યા ત્યારે પડખુ ફેરવતા ચહેરો ચામડી-માસના લોચા સાથે એક તરફ ઢળી પડતો હતી. લોહીના લીધે ચહેરો પણ દેખાતો ન હતો. અમારી કોઇની ફોટો લેવાની પણ હિંમત થતી ન હતી.’

અન્ય સમાચારો પણ છે...