ધરપકડ:32 લાખના ઇલેક્ટ્રિક સામાનની ચોરીમાં 4 ઝડપાયા, ફેબ્રુઆરીમાં મુંબઈથી રાજકોટ જતી વેળા સુરત પાસે સામાન વગે કરાયો હતો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 34 એસી, 8 એલઇડી કબ્જે, 3 શખ્સ વોન્ટેડ

ગત ફેબ્રુઆરીમાં એક્સપ્રેસ વે પર ટોલનાકા નજીકથી 32 લાખના ઇલેક્ટ્રોનિક્સ સામાનને સગેવગે કરવાના ગુનામાં ઇલેક્ટ્રોનિકસ સાધનોની ખરીદી કરનાર અને સામાન રાખનાર 4 શખ્સોને તાલુકા પોલીસે ઝડપી અન્ય 3 શખ્સોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે તેઓના પાસેથી 11 લાખના ઇલેક્ટ્રોનિકસના સાધનો કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગત ફેબ્રુઆરીમાં મુંબઈના અમિત મોહન કુમારે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં તેઓને ત્યાં ટ્રક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઉત્તરપ્રદેશના રાજેશ સભરાજ યાદવને ટ્રકમાં રાજકોટ ખાતે ડિલિવરી કરવા 85 એસી, 63 એલઇડી તથા 5 વોશિંગ મશીન કુલ રૂ. 32.28 લાખનો સામાન ભરાવ્યો હતો. જોકે સામાન સુરતથી કોઈ સ્થળે સગેવગે કરી ખાલી ટ્રક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલનાકા ખાતે મૂકી ડ્રાઇવર ફરાર થયો હતો.

બનાવની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.આર. મહિડા અને તેમની ટીમે માહિતીના આધારે અમદાવાદના જુહાપુરામાં વેજલપુર પોલીસની મદદ લઇ શાહનવાઝ ઈમ્તિયાઝ મલેકની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી બે એર કન્ડિશનર મળી આવ્યા હતા. તેઓની પૂછપરછમાં દાણીલીમડામાં મહંમદ અલી ગુલામ રસુલ ડાબરાની દુકાનમાંથી એક એલઇડી અને 1 એસી મળી આવ્યું હતું. તેઓની સઘન પૂછપરછમાં તેણે આ સમાન અમદાવાદના સાબુ એલેક્સ ક્રિશ્ચન અને શબ્બીર અલી થરાદરા પાસેથી મેળવ્યું હોવાનું જણાવતા સાબુ ક્રિશ્ચનને ઝડપી લીધો હતો.

તેના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી પાંચ એલઇડી અને એક એસી મળી આવ્યું હતું.આ તપાસમાં મહંમદ અલી ગુલામ રસુલ ડાબરા અને શબ્બીર થરાદરા પાસે હજી 30 નંગ એસી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સાબુ એલેક્સ ક્રિશ્ચન, શબ્બીર અલી રહીમ થરાદરા, મહંમદ અલી ગુલામ રસુલ ડાબરા અને શાહનવાઝ ઈમ્તિયાઝ મલેકની અટકાયત કરી તેઓ પાસેથી 34 નંગ એર કંડિશનર અને 8 નંગ એલઇડી ટીવી મળી કુલ રૂ. 11.55 લાખની મત્તા જપ્ત કરી આ ગુનામાં દિલીપ, ડ્રાઇવર રાજેશ સભારાજ યાદવ અને સરફરાઝ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...