વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકને કન્ટેનર આપાવવાના બહાને 4 ભેજાબાજે 18 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે સિટી પોલીસે ચાર શખસ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને કારેલીબાગ વિસ્તારમાં ટ્રાવેલસ એન્ડ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા જુનેદ પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે, આણંદના રહેવાસી ટ્રાવેલ્સ સંચાલક મકસુદભાઈ ગનીભાઇ વ્હોરાએ ઓળખીતા પાસેથી મને ટેન્કર અપાવવાની વાત કરી હતી અને તેમના જમાઈ અમીન અબ્દુલ સમદ વ્હોરાનું ટેન્કર 7. 51 લાખમાં ખરીદવાનું નક્કી કર્યું હતું. જે પેટે રોકડા 4.11 લાખ રોકડા ચુકવ્યા હતા અને બાકીના 18 હજાર લેખે 26 હપ્તાની લોન કરી હતી. જે અંગેનો વેચાણ કરાર પણ કરાવ્યો હતો.
ત્યાર બાદ મકસુદભાઈએ બીજા બે કન્ટેનર વેચવાનું જણાવતા મેં ખરીદવાની તૈયારી દર્શાવી હતી. અને તેમણે સિરાજ ભાઈ ગુલામનબી વ્હોરા તથા ફિરોજભાઈ ઈસ્માઈલભાઈ હાજીનો સંપર્ક કરાવ્યો હતો અને બે કન્ટેનરનો 18. 82 લાખમાં વાહન વેચાણનો કરાર કર્યો હતો. તે સમયે 3 લાખ રૂપિયા રોકડા ચુકવ્યા હતા. ત્યારબાદ અમીન વ્હોરા ત્રણ પૈકી એક કન્ટેનર 60 હજાર પ્રતિ મહિને ભાડેથી લઈ ગયો હતો. જ્યારે બાકીના બે કન્ટેનર મકસુદભાઈ, સિરાજ ભાઈ તથા ફિરોજભાઈ આરટીઓમાં પાર્સિંગ સમયે વિલંબ થશે તેમ જણાવી બંને કન્ટેનર લઈ ગયા હતા.
તમામ નાણાંની ભરપાઈ કરી હોવા છતાં સિરાજ તથા ફિરોજે વધુ 9 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ભાડે લઈ ગયેલા ટેન્કરનું ભાડું પણ ચુકવતા નથી. આમ 18 લાખની કિંમતના ત્રણ કન્ટેઇનર પરત લઇ જઇ રૂપિયા અથવા કન્ટેનર ફરિયાદીને પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.