વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગત રાત્રે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના કર્મચારીઓને પશુપાલકો માર મારી ઢોર છોડાવી ગયા હતા. આ મામલે ફતેગંજ પોલીસે પશુપાલક આરોપી જહા કાના ભરવાડ, નંનુભાઇ ઉર્ફે નંદુભાઇ હનુભાઈ ભરવાડ, હામાભાઈ હમીરભાઈ ભરવાડ અને ગોવિંદભાઇ હમીરભાઇ ભરવાડ સામે પાસાની કાર્યવાહી કરી છે અને ચારેય આરોપીઓને મહેસાણા, પાલનપુર, જામનગર અને રાજકોટની જેલમાં મોકલી આપ્યા છે. જોકે, કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડને વોન્ટેડ જાહેર કરાયો છે.
રસ્તે રખડતી ગાય પકડી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતાં ઢોરને પકડવાની કામગીરી દિવસની સાથે રાત્રે પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગત રાત્રે ઢોર ડબ્બા શાખામાં માર્કેટ સુપરવાઇઝર પ્રદીપ નામદેવ લોખંડે ટીમ સાથે ફતેગંજ વિસ્તારમાં રસ્તે રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે, છાણી ગુરુદ્વારા સામે રોડ પર ગાયો બેઠેલી છે. જેથી તેઓ વર્ધીવાળી જગ્યાએ જતા હતા, ત્યારે મિલિટરી બોયઝ ચાર રસ્તા પાસે એક ગાય જાહેર રોડ પર રખડતી ગાય જોવા મળતા તેને દોરડા વડે બોલેરો ગાડી સાથે બાંધી હતી અને ટ્રેક્ટરની રાહ જોતા હતા.
સાતથી આઠ માલધારીઓનો હુમલો
આ દરમિયાન ગાયનો માલિક નંદુ ભરવાડ અને સાતથી આઠ જેટલા માલધારી ત્યાં આવી પહોંચ્યા હતા અને ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. જેમાંથી એક શખ્સે ઢોર પાર્ટીના રોહન ગણેશભાઇ લોખંડેને પગમાં લાકડી મારી હતી. તેમજ નંદુ ભરવાડે પ્રદીપ લોખંડેને પણ માર માર્યો હતો. તેમજ પકડેલી ગાયને છોડાવી ગયા હતા.
કોંગ્રેસના કાર્પોરેટરે ગાળો ભાંડી
કોર્પોરેશનની ટીમ અને માલધારીઓ વચ્ચે ઝપાઝપી થઇ રહી હતી, ત્યારે ત્યાં વોર્ડ નંબર-1ના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ ત્યાં આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં જહા ભરવાડે કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસોને રીતસરની ગોળો ભાંડી હતી. જેનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો.
હું તો મામલો થાળે પાડવા ગયો હતો: જહા ભરવાડ
કોર્પોરેશનની ટીમને અપશબ્દો કહેવા મામલે દિવ્ય ભાસ્કર દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું, હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે પશુપાલકો અને ઢોર પાર્ટી વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. તેને હું તો થાળે પાડવાનો પ્રયાસ કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.