તાલિબાની સજામાં પ્રેમીની હત્યા:વડોદરાના ચોકારીમાં યુવતીનાં પરિવારજનોએ સાડી પહેરાવી ઝાડ સાથે બાંધીને યુવકને ઢોરમાર માર્યો, ગુપ્ત ભાગે લાતો મારતાં મોત

વડોદરા13 દિવસ પહેલા
  • હત્યા અને અપહરણનો ગુનો દાખલ કરીને 4 આરોપીની ધરપકડ કરી છેઃ જિલ્લા પોલીસવડા

પાટણમાં મહિલાને તાલિબાની સજાની ઘટના હજી તાજી જ છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં યુવતીના પ્રેમમાં પડેલા 20 વર્ષીય યુવક જયેશ રાવળને યુવતીનાં પરિવારજનોએ ઢોરમાર મારતાં મોત થયું હતું. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવીને ગુપ્ત ભાગે લાતો મારી હતી.

આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ
મૃતક યુવાનની બહેને જણાવ્યું હતું કે, મારા ભાઇને ઢસડીને લઇ ગયા અને મારા ભાઇને મારી નાખવાની વાતો કરતા હતા. મને પણ માર માર્યો હતો. જેથી ચક્કર આવતા હું પડી હતી. મારા ભાઇની આ લોકોએ હત્યા કરી છે. મારા ભાઇને જેમ મારી નાખ્યો તેમ આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, અમારે ન્યાય જોઇએ છે.

પ્રેમમાં પડેલા યુવકને યુવતીનાં પરિવારજનોએ તાલિબાની સજા આપતાં મોત થયું હતું.
પ્રેમમાં પડેલા યુવકને યુવતીનાં પરિવારજનોએ તાલિબાની સજા આપતાં મોત થયું હતું.

ઝાડ સાથે બાંધીને મારતાં યુવકનું મોત થયું
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં પ્રેમપ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીનાં પરિવારજનોને બંનેના પ્રેમપ્રકરણની ખબર પડી જતાં તેમણે યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેકને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી માર માર્યો હતો. જેમાં યુવક જયેશ રાવળનું મોત થયું હતું. યુવકને ઢોરમાર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ હારીજમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી

આરોપીઓ સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છેઃ જિલ્લા પોલીસવડા.
આરોપીઓ સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છેઃ જિલ્લા પોલીસવડા.

પોલીસે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે હત્યા અને અપહરણનો ગુનો દાખલ કર્યો છે.

મૃતકનાં પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મૃતકનાં પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પોલીસે 4 આરોપીની ધરપકડ કરી
વડોદરા જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. હાલ ગામમાં શાંતિ ન ડહોળાય એ માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઇને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.

યુવકને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો.
યુવકને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો.

દાહોદઃ પરિવારજનોએ મહિલાને રસ્તામાં 20 ફૂટ ઢસડી-ઢસડીને મારી
17 ઓગસ્ટ 2021ના રોજ એક વીડિયો ફરતો થયો હતો, જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

હારીજમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાનું મૂંડન કરાયું હતું
તાજેતરમાં જ પાટણ જિલ્લાના હારીજની વાદી વસાહતમાં રહેતી એક સગીરાને પ્રેમ થઇ ગયો હતો. સગીરાને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. સગીરા પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ સગીરાના આ પગલાની જાણ વસાહતને થતાં સગીરાને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. સગીરાએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

માથે ટકો કરી વસાહતમાં ફેરવવામાં આવી
સગીરાને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. સગીરાના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા સગીરાના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી. તાલિબાની સજા અપાઈ એ સમયે સગીરા સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. સગીરાને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

વડુ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી
વડુ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી

અગાઉ છોટાઉદેપુરના બીલવાટ ગામમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાને ઢોરમાર માર્યો હતો
24 મે-2020ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી, જે તેનાં પરિવારજનોને પસંદ ન પડતાં સગીરાને 15 જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી તેને જાહેરમાં લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતો વીડિયો બહાર આવતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.

2 મહિના પહેલા પણ ઘરે આવી ધમકી આપી હતી
બે મહિના પહેલા કાળીદાસે ધમકી આપી હતી કે તારા દિકરાને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ છે. જો પુત્રી સાથે વાત કરતો દેખાયો તો પરિણામ સારુ નહીં આવે. મારા દીકરાના હત્યારાને કડક સજા થઇ જોઇએ. -મેલાભાઈ રાવળ, મૃતક યુવાનના પિતા

લાતો મારી મારા ભાઇને મારી નાખ્યો,અમને ન્યાય જોઇએ
એ ચાર લોકો આવેલા અને ઘરમાંથી ભાઈને ઘસેડી લાકડીથી મારતાં એમના ઘરે લઇ ગયા હતા અને જાંબુડીના ઝાડ સાથે બાંધી માર માર્યો.ગુપ્તાંગો પર લાતો મારી મારા ભાઈને મારી નાખ્યો છે. મારે ન્યાય જોઈએ છે. -સુનિલ રાવળ, મૃતક યુવાનનો ભાઈ

ગામમાં પોલીસ બંદોબસ્ત મૂકાયો છે
વડુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચોકારી ગામે એક પ્રેમ પ્રકરણના સંબંધમાં મર્ડરનો બનાવ બન્યો છે. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.- સુધીર દેસાઇ, એસપી, વડોદરા ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...