બુટલેગરોનો નવો કિમીયો:વડોદરા નજીક પોર પાસેથી લસણ-ડુંગળીની આડમાં ટેમ્પોમાં લવાતો 3.84 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ

વડોદરા16 દિવસ પહેલા
સળેલી ડુંગળી-લસણની આડમાં વડોદરામાં લવાતો બિયરનો જથ્થો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો.
  • જિલ્લા એલ.સી.બી.એ બિયરના જથ્થા સહિત 13.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • પાયલોટીંગ સાથે વડોદરામાં બિયર લાવવામાં આવી રહ્યો હતો

પોલીસ તંત્રની બાજ નજર હોવા છતાં, બુટલેગરો દ્વારા નવા નવા કિમીયા અપનાવીને શહેર-જિલ્લામાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે, પોલીસ તંત્ર પણ આ બાબતે એલર્ટ થઇ ગઇ છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે માહિતીના આધારે વડોદરા તરફ સડેલા લસણ-ડુંગળીની આડમાં ટેમ્પોમાં લાવવામાં આવી રહેલો રૂપિયા 3.84 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બિયર, મોબાઇલ ફોન, લસણ-ડુંગળીનો જથ્થો અને ટેમ્પો સહિત રૂપિયા 13.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તે સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બિયરનો જથ્થો ઝડપી પાડનાર એલસીબીની ટીમ
બિયરનો જથ્થો ઝડપી પાડનાર એલસીબીની ટીમ

પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર દારૂ-જુગાર જેવી પ્રવૃત્તીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ડભોઇ-વરણામા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલ.સી.બી.ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ખોડાભાઇ રાણાભાઇને માહિતી મળી હતી કે, એક ટેમ્પોમાં ડુંગળી અને લસણ ભરેલું છે. અને તેની આડમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ લઇ જવાય છે. તેમજ આ ટેમ્પોની આગળ એક કાર પાયલોટીંગ કરી રહી છે.

બિયર લાવી રહેલા ટેમ્પોનું પાયલોટીંગ કરનાર કાર કબજે
બિયર લાવી રહેલા ટેમ્પોનું પાયલોટીંગ કરનાર કાર કબજે

બિયરની 100 પેટી કબજે કરવામાં આવી
આ માહિતીના આધારે તુરતજ એલ.સી.બી.ના પી.એસ.આઇ. પી.જે. ખરસાણ તેમજ એ.એમ. પરમાર સ્ટાફના સાથે વોચમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. તુરતજ એલ.સી.બી. ટીમના જવાનો પોર બ્રિજ પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતા. દરમિયાન માહિતી મુજબ એક કાર આવી પહોંચી હતી. પોલીસે તેને રોકી હતી. જેમાં બે વ્યક્તિઓ સવાર હતા. તે બાદ ટેમ્પો આવી પહોંચતા પોલીસે તેને રોક્યો હતો. અને ટેમ્પોમાં તપાસ કરતા સડેલા લસણ અને ડુંગળીની આડમાં મુકેલા બિયરની 100 પેટીમાંથી 2400 નંગ ટીન મળી આવ્યા હતા. ડુંગળી-લસણની બોરીની આડમાં લઇ જવાતો બિયરનો જથ્થો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કારમાં પાયલોટીંગ સાથે બિયરનો જથ્થો લાવનાર ટોળકી પોલીસ સંકજામાં
કારમાં પાયલોટીંગ સાથે બિયરનો જથ્થો લાવનાર ટોળકી પોલીસ સંકજામાં

આરોપીઓ પાસેથી રોકડા 40 હજાર કબજે કરાયા
પી.આઇ.એ વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવમાં પોલીસે ટેમ્પો ચાલક શરીફખાન સિકંદરખાન પઠાણ (રહે. મહેમદાવાદ), ક્રેટા કારમાં પાઈલોટીંગ કરતા ચીમન જંગલભાઇ ખરાડ, જોરસીંગ વરસીંગ ખરાડ તેમજ દિનેશ ગોટીયા ખરાડ (ત્રણે રહે. દાહોદ) ની ધરપકડ કરી છે. તે સાથે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 40 હજાર રોકડા, 6 મોબાઇલ ફોન, હુન્ડાઇ ક્રેટા કાર , બોલેરો પીકઅપ ગાડી તેમજ રૂપિયા 3,84,000ની કિંમતનો બિયરનો જથ્થો મળી કુલ્લે રૂપિયા 13,40,700 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અને આ અંગેની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...