મ.સ. યુનિ.ના અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પ્રમોશન મળ્યું નથી. યુનિ.ના 350 અધ્યાપકોને 5 વર્ષથી પ્રમોશન અપાઇ ન હોવાથી શિક્ષક સંગઠનોએ વીસીને પત્ર લખ્યો છે. આગામી સમયમાં અધ્યાપકોને પ્રમોશનનો લાભ આપવામાં નહિ આવે તો આંદોલનનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.મ.સ. યુનિ.માં એસોસિએટ પ્રોફેસરમાંથી પ્રોફેસર તથા આસી. પ્રોફેસરથી એસોસિએટ પ્રોફેસર સહિતના પ્રમોશનના લાભ છેલ્લાં 5 વર્ષથી આપવામાં આવ્યો નથી. આ અંગે યુનિવર્સિટીની મોટાભાગનાં સંગઠનો દ્વારા યુનિવર્સિટીના વીસીને વારંવાર રજૂઆતો કરી છે છતાં અધ્યાપકોને પ્રમોશન અપાયું નથી.
મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય શૈક્ષિક સંઘ દ્વારા વીસીને પત્ર લખીને માગણી કરાઇ છે કે, ઇન્ટરવ્યુ પ્રક્રિયા અને પ્રમોશનની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે. વહેલી તકે અધ્યાપકોના પ્રમોશનની કામગીરી પૂરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. અન્ય યુનિવર્સિટીમાં અધ્યાપકોના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પ્રમોશનની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જોકે યુનિવર્સિટીમાં આ કામગીરી કરાઇ નથી. જેના કારણે અધ્યાપક મંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ બુટા દ્વારા પણ આ મુદ્દા પર રજૂઆતો કરાઇ હતી.
અધ્યાપકોને મેમો ઇસ્યુ કરવાના મુદ્દે પણ શૈક્ષિક સંઘે રોષ વ્યક્ત કર્યો
પરીક્ષામાં પેપર મોડા કાઢવાના મુદ્દે અધ્યાપકોને પરીક્ષા વિભાગ દ્વારા મેમા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેના પગલે અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે પણ શૈક્ષિક સંઘે પોતાના પત્રમાં યુનિવર્સિટી સત્તાધીશોના વલણ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.