જીલ્લા એલસીબી સહિત અન્ય શાખાઓ અને અન્ય પોલીસ મથકના વિવાદાસ્પદ વહીવટદારોની સામૂહિક બદલીઓને લઈ ભારે હોબાળો મચ્યો છે. પરિણામે 35 પૈકી માત્ર એક જ કર્મીએ હજી સુધી ચાર્જ છોડ્યો છે બાકીના હજી જૂની જગ્યાએ જ ફરજ બજાવી રહ્યા હોવાના કારણે ભારે ચર્ચા જાગી છે.પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાના બદલીઓના આદેશ થતાં પહેલા જ તેની માહિતી લીક થઈ ગઈ હતી.
એલસીબીના વહીવટદારને ઓર્ડર થયાની આગલી રાત્રે દુમાડ ચોકડી બોલાવી જેમની બદલી થવાની હતી એ જવાનોએ ભારે અસંસોષ વ્યક્ત કરી અમારી બદલી કરાવામાં કેમ લાગ્યા છો? એવું એલસીબીના વહીવટદારને પૂછ્યું હતું. એ દરમ્યાન મામલો ઉગ્ર બની ગયો હતો. એના બીજા જ દિવસે બદલીઓના ઓર્ડર થતાં જ પોલીસકર્મીઓ એકઠા થયા હતા અને ફરીથી એલસીબીના વહીવટદારને રજૂઆત કરતા હાલ પૂરતો કોઈએ ચાર્જ છોડવો નહિ એવું નક્કી કરી બાદમાં કોઈ રસ્તો કાઢવાનું આશ્વાસન અપાયું હતું.
જિલ્લા પોલીસ વડા રોહન આનંદનો બદલીઓનો આદેશ થયો હોવા છતાં એલસીબીના વહીવટદારે એમની જાણ બહાર પોલીસ કર્મીઓને ચાર્જ નહિ છોડવાનું કહ્યું તેની પાછળ વહીવટદારને ભાંડો ફોડવાની અપાયેલી ધમકી જવાબદાર હોવાની ચર્ચા પણ પોલીસ બેડામાં ચાલી રહી છે. સામૂહિક બદલીઓમાં મોટા વહીવટદારોને બાકી રખાયા હોવા ઉપરાંત અગાઉ ખાતાકીય કાર્યવાહીનો સામનો કરી ચૂકેલા કલંકીત કર્મીઓ કોના ઇશારે બાકી રહી ગયા એવો પણ સવાલ ઊભો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.