ઝીરો કાર્બન પોલિસી હેઠળ 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપ કરવાની જાહેરાત બાદ વડોદરામાં 280 સરકારી વાહનોની યાદી બનાવવામાં આવી છે. જેમાં વડોદરા મહાનગર પાલિકાના 35 વાહનોને નિકાલ કરવામાં આવશે. જેમાં ડ્રેનેજના જ 10 વાહનોનો સમાવેશ થતાં ડ્રેનેજ સફાઈની કામગીરીને સૌથી વધુ અસર થશે. સ્ક્રેપમાં જતાં વાહનો સામે ફરીથી નવા ખરીદવા માટે રૂ. 7.36 કરોડનો ખર્ચ થશે.
પાલિકાના વેહિકલ પુલમાં 400થી વધુ વાહન છે. જે ડ્રેનેજની સફાઈ, રસ્તા બનાવવા, કાટમાળ ઊંચકવા, મેઇન હોલ ખાલી કરવા, રોડ સાફ કરવા ઉપયોગમાં લેવાય છે. કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂનાં વાહનોને સ્ક્રેપ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત 35 વાહનોની યાદી બનાવાઈ છે.
પાલિકામાંથી 35 વાહનો ઓછા થશે
પાલિકાને વાહનોની નિભાવણી પાછળ વર્ષે 1.10 કરોડનો ખર્ચ થાય છે. શહેરમાં 12 વોર્ડની જગ્યાએ 19 વોર્ડ કરાયા છે તેમજ નવા ગામોનો સમાવેશ થયો છે. પહેલાથી જ ઓછાં વાહનોથી કામ ચલાવતી પાલિકામાંથી 35 વાહનો ઓછા થશે તો તેના કારણે ડ્રેનેજ સફાઈનાં કામોમાં વિલંબ થશે.
આ વર્ષે 42 કરોડનાં નવાં વાહનો ખરીદવા પડશે
લોકોને પરેશાની ભોગવવી પડશે. નવા વોર્ડમાં વાહનોની માગને જોતાં આ વર્ષે 42 કરોડનાં નવાં વાહનો ખરીદવા પડશે. જેના માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે. વાહનોમાં 5 જેટિંગ મશીન, 4 ખાળકૂવા, 10 રોડ બનાવવાના રોલર, 10 નાના ડમ્પર, સુપર સકર મશીન, સ્વીપર મશીન, જેસીબી, ડોઝર ખરીદાશે.
2008માં ખરીદાયેલાં વાહનો સ્ક્રેપમાં જશે | ||
વાહન | નંગ | કુલ કિંમત |
ટ્રેકટર ડોઝર | 4 | ~60 લાખ |
ખાર કુવા | 2 | ~80 લાખ |
જેટિંગ | 3 | ~1.20 કરોડ |
ડી-સેલ્ટિંગ | 5 | ~35 લાખ |
કાર(જીપ) | 8 | ~64 લાખ |
મેડિકલ વાન | 3 | ~36 લાખ |
ડમ્પર | 13 | ~3.25 કરોડ |
ટ્રેલર | 8 | ~16 લાખ |
વ્હીકલ પુલમાં પડેલું ~80 લાખની કિંમતનું સ્વીપર મશીન ધૂળ ખાય છે
સ્માર્ટ સિટી હેઠળ શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ અગાઉ 80 લાખના એક એવા 10 સ્વીપર વેક્યુમ મશીનની ખરીદી કરી હતી. જેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે વાર્ષિક 2.40 કરોડ ખર્ચાય છે. જેનું સંચાલન કોન્ટ્રાક્ટર દ્વારા કરાય છે, જેને એક શિફ્ટના 8 હજાર અને વર્ષના 2.40 કરોડ ચૂકવાય છે. જોકે નાગરિકોના વેરાના નાણાથી લેવાયેલું 80 લાખનું સ્વીપર મશીન વ્હીકલ પુલમાં ધૂળ ખાતું જોવા મળ્યું હતું. જે સ્વીપર મશીન રોડ પર ફરે છે તે પણ યોગ્ય રીતે સફાઈ નહિ કરતું હોવાની બૂમો ઊઠતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.