સ્કૂલ ઓન વ્હીલ્સ:સોલર સિસ્ટમથી સજ્જ બસમાં અભ્યાસ કરતાં સમિતિની 8 શાળાનાં 348 બાળકો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસમાં કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર અને એસી સહિતની અત્યાધુનિક સુવિધા

કોરોનાના કારણે દોઢ વર્ષથી પણ વધુના સમયગાળા દરમિયાન શાળા બંધ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે શિક્ષણ સમિતિનાં બાળકો શાળાના વર્ગખંડના પ્રત્યક્ષ શિક્ષણની અનુભૂતિ સોલાર બસમાં શિક્ષણ મેળવીને કરી રહ્યા છે. બસમાં કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર અને એસી જેવી અત્યાધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડ તૈયાર કર્યો છે. ભાથુજીનગર, સોનિયાનગર, વુડાના મકાન, બહ્માનગર, રાજીવનગર, દરજીપુરા, સવાદ ક્વાર્ટર્સ અને વણઝારા ટેકરી સહિતના વિસ્તારોના 348થી વધુ બાળકોને ગાઈડલાઈનના પાલન સાથે ભણાવાય છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે હોમ લર્નિંગ, વર્ચ્યુઅલ ક્લાસીસ તેમજ શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરી છે. આ અંગે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષણ સમિતિના શાળા નિરીક્ષક અને વહીવટ દિલીપ ત્રિવેદીએ જણાવ્યું કે, 2 મહિના પહેલાં હું હરણીની શાળામાં નિરીક્ષક તરીકે ગયો હતો ત્યાં એક સંસ્થાના પ્રોગ્રામ ઓફિસર વિરલભાઈએ આ બસ બતાવી હતી.

વિદ્યાર્થી અને વાલીઓ તરફથી પણ નવતર અભિગમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2018ની સાલમાં આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. બે વર્ષ સુધી સમિતિની શાળાના વિદ્યાર્થીઓને સોલાર બસમાં વિવિધ સમયે શિક્ષણ અપાતું હતું. કોરોનામાં પણ બસના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ અપાયું હતું. તાજેતરમાં સરકારે ફરી ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરી છે ત્યારે સોલાર બસમાં બાળકોનું શિક્ષણ શરૂ કરાયું છે.

કમ્પ્યૂટર ઓપરેટ કરતાં પણ શીખવાડાય છે
બે મહિનાથી વિદ્યાર્થીઓને બસમાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે. વિવિધ વીડિયો દર્શાવીને શિક્ષણ અપાય છે. વિદ્યાર્થીઓને કમ્પ્યૂટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શિખડાવાય છે. બસમાં સ્ક્રીન મૂકાઈ છે.> મનીષા પટેલ, શિક્ષિકા, સ્વામી વિવેકાનંદ પ્રા.શાળા,સવાદ

અન્ય સમાચારો પણ છે...