મરામતની મોંકાણ:3.25 લાખ લોકોને સાંજે પાણી ન મળ્યું, આજે ઓછા પ્રેશરથી મળશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇનમાં લીકેજ થતાં શટડાઉન લેવું પડ્યું
  • પાણીની લાઇન ખાલી કર્યા બાદ વેલ્ડિંગ કરી જોડાણ કરાયું

પાલિકાએ મરામત માટે લીધેલા શટડાઉનના કારણે 12 ટાંકી અને 4 બુસ્ટરને પાણી આપી શકાયું ન હતું, જેથી સવા ત્રણ લાખની જનસંખ્યાને સાડા પાંચ કરોડ લિટર પાણી મળ્યું ન હતું. રવિવારે પણ મોડું અને અોછા પ્રેશરથી પાણી અપાશે. મહી નદી ખાતે 4 ફ્રેન્ચ વેલથી રોજ 250 એમએલડી પાણી મેળવાય છે. જેમાં દોડકા કૂવાની અને દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈનમાં સાંધામાં ભંગાણ પડતાં રિપેરિંગ માટે શટડાઉન લેવું પડ્યું હતું. દોડકા કૂવાની 36 ઇંચ ડાયામીટર લાઈન તેમજ દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટની 24 ઇંચ ડાયામીટર લાઈન જ્યાં ભેગી થાય છે તે સાંધામાં ભંગાણ થતાં રાત્રે પાણી બ્લોક કરી દેવાયું હતું. પાણીનું નેટવર્ક એકબીજા સાથે જોડાયેલું હોવાથી પાલિકાને દોડકા ઉપરાંત રાયકા તથા પોઇચા કૂવાને પણ બંધ કરવો પડ્યો હતો. કારણ જ્યાં સુધી પાણીની લાઈન ખાલી ન થાય ત્યાં સુધી રિપેરિંગ કે વેલ્ડિંગ થઈ શકે તેમ ન હતું. દોડકાના 2, પોઇચાના 6 અને રાયકાના 5 મળી 13 પંપ બંધ કરવા પડ્યા હતા અને સતત ચાલુ રહેતા પંપો બંધ થતાં સાડા પાંચ કરોડ લિટર પાણીની ઘટ પડી હતી. આ અંગે રિપેરિંગ કામ સવારે 10 વાગ્યાથી શરૂ કર્યું હતું અને સાંજે પૂરું થયું હતું અને જે લીકેજ છે ત્યાં વેલ્ડિંગ કરી ઉપર પ્લેટ મરાઈ હતી. જેને લીધે પોઇચાથી પાણી મેળવતી નોર્થ હરણી, સમા, કારેલીબાગ, આજવા ટાંકી, લાલબાગ ટાંકી, માંજલપુર અને સયાજીબાગ ટાંકી તથા એરપોર્ટ, વારસીયા, ખોડીયાર નગર, જેલ રોડ બુસ્ટર પરથી અને પોઇચા કૂવા પરથી પાણી મેળવતી ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલી ટાંકી પરથી સાંજે પાણી વિતરણ થયું ન હતું અને રવિવારે સવારે પાણી મોડું અને હળવા દબાણથી અપાશે.

અન્ય સમાચારો પણ છે...