શાકભાજી ભરેલા ટેમ્પોમાં કરજણ તરફ લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો વડોદરા જિલ્લા પોલીસે પોર અને ઇંટોલા ગામ વચ્ચે હાઇવે ઉપર વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 3.16 લાખની કિંમતનો દારૂ મળી કુલ 7.31 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પોર અને ઇંટોલા ગામ વચ્ચે વોચ ગોઠવી હતી
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે જિલ્લા પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે, પાયલોટીંગ સાથે એક વિદેશી દારૂ ભરેલો ટેમ્પો વડોદરાથી કરજણ તરફ જવાનો છે. જેના આધારે હાઇવે ઉપર આવેલા પોર અને ઇંટોલા ગામ વચ્ચે વોચ ગોઠવી દેવામાં આવી હતી.
પોલીસને ટેમ્પોમાંથી 3.16 લાખની કિંતનો દારૂ મળ્યો
આ દરમિયાન બાતમી પ્રમાણેની કાર અને ટેમ્પો પસાર થતાં તેણે રોકવામાં આવી હતી. ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂના 3168 પાઉચ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 3,16,800ની કિંમતનો વિદેશી દારૂ, પાયલોટીંગ કરી રહેલી કાર, મોબાઇલ ફોન અને ટેમ્પો મળી કુલ 7,31,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે પાયલોટીંગ કરી રહેલા સત્યનારાયણસિંહ પૃથ્વિરાજસિંહ ચૌહાણ(રહે, બડા કોટડા, રાજસ્થાન), ભગવતસિંહ ભોપાલસિંહ રાણાવત(રહે, રાજસ્થાન) અને મુકેશ દેવીલાલ પંચાલ(રહે, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
દારૂ રાજસ્થાનના બુટલેગરે મોકલ્યો હતો
વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા શખસોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને તે નારાયણસિંગ ભવાનીસીંગ રાવ(રહે, ઉદયપુર, રાજસ્થાન)ને પહોંચતો કરવાનો હતો. પોલીસે દારૂની હેરાફેરીના નેટવર્ક અંગે વધુ વિગતો મેળવવા માટે તેઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. વડોદરા જિલ્લા પોલીસે દારૂના આ કેસની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.