ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર ફરાર:વડોદરાના ફતેગંજમાં ફર્નિચરના કામના રૂ.31 હજાર ન આપતાં રૂ. 16 લાખની ચોરી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફતેગંજમાં આરોપીએ ઘરફોડ ચોરીના 40 ગુનાના આરોપી સાથે પ્લાન ઘડ્યો
  • ફતેગંજના મકાન માલિકના ઘરમાંથી 35 તોલા દાગીના, રોકડા 7 લાખ ચોર્યા હતા
  • ​​​​​​​ફર્નિચરના કારીગરે મિત્રને બદલો લેવા જણાવ્યું

ફતેગંજ રહેતા મકાનમાલિકે ઘરે ફર્નિચરના કામ માટે રોકેલા કારીગરને રૂા.31 હજાર ના આપતાં તેણે ઘરફોડ ચોરીના 40 ગુનાના આરોપી અને મિત્રને આ વાત કહેતાં બંનેવે 1 જુલાઈએ 35 તોલા દાગીના અને 7 લાખની રોકડ મળીને કુલ 16 લાખની ચોરી કરી હતી. ફરિયાદ નોંધાતાં સયાજીગંજ પોલીસે ફર્નિચરનું કામ કરતા આરોપીની ધરપકડ કરી છે. ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર ફરાર છે.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર.ખેર અનુસાર, ક્રાઈમ બ્રાંચે ચોરીની ઘટનામાં સીસીટીવી ફુટેજ તપાસતાં નંબર પ્લેટ વગરની એસ.ક્રોસ કાર જણાઈ આવી હતી. આ કાર ચોરી કર્યા બાદ ઉંડેરા તરફ ગઈ હતી. ત્યારબાદ ત્યાંથી કાર પર નંબર પ્લેટ લગાવીને પરત ફરતા તેનો નંબર મળી આવ્યો હતો. નંબરના આધારે તપાસ કરતા તેનો માલિક અર્જુન વિનોદભાઈ રાજપુત (રહે.મારુતિનગર, માંજલપુર) હોવાનું જણાયું હતું.

પોલીસે અર્જુન રાજપુતને શોધતા તે મળ્યો ન હતો. જ્યારે તપાસમાં અર્જુન રાજપુત રીઢો ઘરફોડ હોવાનું જણાયું હતું. અર્જુન રાજપુતે ગુનો આચરીને પોતાની કાર મનોજ જાંગીડ (રહે-સરદાર હાઈટસ,સમતા)ને આપી જણાતાં પોલીસે મનોજને ઝડપ્યો હતો. જ્યારે પોલીસે અર્જુન વિનોદભાઈ રાજપુત (રહે-મારૂતીનગર,માંજલપુર)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

ચોર મિત્રે કહ્યું ‘વાંધો નહીં, એક દિવસ આપણે તારા રૂપિયા વસૂલ કરી લઈશું’
મનોજ જાંગીડે મિત્ર અર્જુન રાજપુતને ઘર બતાવીને મકાન-માલિકે રૂપીયા ન આપ્યાં હોવાનું કહેતાં અર્જુને ‘કોઈ વાંધો નહી, એક દિવસ આપણે એ રૂપીયા વસુલ કરી લઈશું’ તેમ જણાવ્યું હતું. ફરિયાદીના મકાનમાં દોઢ વર્ષ પહેલા મનોજ જાંગીડે ફર્નીચરનું કામ કરી આપ્યું હતું. આ કામ માટે મનોજે રૂા.31 હજાર ફરિયાદી પાસે માંગતા આપ્યાં ન હતાં. આખરે 1 જુલાઈએ સાંજે ફરીથી મનોજ જાંગીડે અર્જુન રાજપુતને ફરીયાદીનું ફતેગંજનું ઘર બતાવ્યું હતું. ત્યારે ઘરની લાઈટો ચાલુ ન હોવાથી મોડી રાતે મનોજ જાંગીડ અને અર્જુન રાજપુતે કારની નંબર પ્લેટ કાઢી હતી. મકાનની પાછળની ગલીમાં મનોજ ગાડી સાથે ઉભો હતો અને અર્જુન ઘરમાંથી ચોરી કરી આવીને ઉંડેરા ખાતે જઈને નંબર પ્લેટ લગાવી પરત ફર્યાં હતાં. ત્યારબાદ અર્જુને મનોજને રોકડા રૂા.31 હજાર આપ્યાં હતા અને આ ફર્નિચરના કામના રૂપીયા હાલ રાખી લેવા અને ઘરેણા વેચાશે ત્યારે બીજા રૂપીયા આપવાનું કહ્યું હતું. બાદમાં પોલીસ શોધતી હોવાથી અર્જુન અને મનોજ કાર લઈને રાજસ્થાન ભાગી ગયા હતાં. ગાડી મનોજના ગામ ભુણી મુકી આવી વડોદરા આવ્યા હતાં. 20 દિવસે અર્જુને ગાડી મનોજને આપી હતી.

ચોરીનાં ઘરેણાંથી કાર ખરીદી હતી
પોલીસ તપાસમાં મનોજ જાંગીડ અને અર્જુન રાજપુત બંને માંજલપુરમાં રહેતા હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. અગાઉ અર્જુને ચોરીના ઘરેણા જીતેન્દ્ર પંચાલને વેચ્યાં હતાં અને તે ચોરીના ઘરેણાથી એસ ક્રોસ કાર જીતેન્દ્ર પંચાલના નામે ખરીદી હતી. આ ગાડીના લોનના હપ્તા જીતેન્દ્ર બેંકમાં ભરશે તેવું પણ નક્કી થયું હતું. જ્યારે કાર અર્જુન વાપરતો હતો.

અન્ય સમાચારો પણ છે...