ડીજીવીસીએલની વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરાવવાની ગરબડ પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે કૌભાંડ ઝડપી એમજીવીસીએલ સહિતની વીજ કંપનીઓ પાસે તેમના દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓની પ્રક્રિયાનો રેકોર્ડ મંગાવ્યો છે. દરમિયાન એમજીવીસીએલની પરીક્ષા જેની સંસ્થામાં યોજાઈ હતી તે ભાસ્કર ચૌધરીની પણ ધરપકડ થતાં એમજીવીસીએસના 300થી વધુ વિદ્યુત સહાયકો શંકાના દાયરામાં આવી ગયા છે. જો કે 300માં કોણ ગોઠવણથી પાસ થયું હતું તે જાણી શકાયું નથી. તે અંગે સુરત પોલીસ તપાસ કરી રહી છે.
સુરતમાં ડીજીવીસીએલની ભરતી પ્રક્રિયા પહેલાં જ પોલીસે રેકેટ ઝડપી પાડતાં તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. જેમાં ભાસ્કર ચૌધરીની જેલમાંથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ખાતે આવેલી એમજીવીસીએલ,જીયુવીએનએલ સહિતની વીજ કંપનીઓની હેડ ઓફિસ આવેલી છે. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે તમામ વીજ કંપનીના સતાધીશો પાસે ભુતકાળમાં લેવાયેલી વિવિધ ભરતી પ્રક્રિયાની વિગતો અને દસ્તાવેજો મંગાવ્યા છે. જેના પગલે ગરબડ કરી પાસ થનારા લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘2020-2021માં ભાસ્કર ચૌધરીની અટલાદરાની સ્ટેકવાઈસ ઇન્સ્ટીટયુટમાં એમજીવીસીએલના વિદ્યુત સહાયકોની ભરતી માટેની લેખિત પરીક્ષા લેવાઈ હતી. જે પૈકી 600થી વધુ ઉમેદવારે પાસ કરી હતી. અંદાજે 300 જણાં નોકરીએ લાગ્યા હતા. ભાસ્કર ચૌધરીએ 300 પૈકી કેટલાને પૈસા લઇને પાસ કરાવ્યા હતા તે કહેવું હાલ મુશ્કેલ છે. જો પોલીસ તપાસમાં કોઈનું નામ ખુલશે તો તેની સામે પગલાં લેવાશે.
ગેરરીતીથી પાસ થનાર સામે પગલાં લેવાશે
ડીજીવીસીએલનું કૌભાંડ સપાટી પર આવતાં રાજય સરકારે જાહેરાત કરી છે કે, જો કોઈ ઉમેદવાર અયોગ્ય રીતે નોકરીએ લાગ્યો હશે તેના પુરાવા મળશે તેા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
300માં વડોદરાની સૌથી વધુ નિયુક્તિ
વીજ કંપનીના સૂત્રો મુજબ, સામાન્ય રીતે જયારે વીજ કંપનીમાં જયારે કોઈ ઉમેદવાર પસંદ થઇ જાય ત્યારે તે પહેલાં અગાઉથી નોકરી કરતાં કર્મીને જે તે સ્થળે બદલી કરાવી જવાની તક આપવામાં આવે છે. તેવી જગ્યાઓ ખાલી થાય તે પછી નવનિયુકત કર્મીને તેની જગ્યાએ મુકવામાં આવે છે, જેથી મોટાભાગના નવનિયુકત કર્મી વડોદરા અને વડોદરાની આસપાસ જ નિયુકત થયા હતા.
ભાસ્કર ચૌધરીએ કોને પાસ કરાવ્યા તેની તપાસ ચાલુ
અમે ગહન તપાસ કરી રહ્યા છે, ભુતકાળમાં ભાસ્કર ચૌધરી અને અન્ય આરોપીએ કેટલા લોકોને પાસ કરાવ્યા તેની તપાસ ચાલુ છે. વીજ કંપનીની કેટલી પરીક્ષાઓમાં આરોપીઓ સક્રિય હતા તે અંગે પણ તપાસ ચાલુ છે. - રૂપલ સોલંકી, ડીસીપી, સુરત ક્રાઈમ બ્રાન્ચ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.