વડોદરામાં 100 કરોડના ખર્ચે સાયન્સ સિટી બનાવવાની જાહેરાત કરાઇ છે. બીજીબાજુ વડોદરામાં પાલિકા સંચાલિત કમાટી બાગનું સરદાર પટેલ પ્લેનેટેરિયમ છે, તેમાં 44 વર્ષ જૂનું પ્રોજેક્ટર રિપેર કરવા પાલિકા પાસે નાણાં નથી. જેથી હાલમાં પ્રોજેક્ટર 10 મિનિટ જ સળંગ ચાલે છે. જેથી 30 મિનિટના મૂળ શોમાં પ્રોજેક્ટર વડે તો માત્ર 10 મિનિટ જ શો બતાવાય છે, જેમાં તારા અને નક્ષત્રોની માહિતી જોઇ-સાંભળીને દર્શકોને સંતોષ માનવો પડે છે, બાકીની 20 મિનિટ સ્લાઇડો બતાવીને શો આટોપવામાં આવે છે. જોકે મુલાકાતીઓમાં આ વિશે કોઇ જાગૃતિ ન હોવાથી આ વેઠ ઉતારુ શોનો કોઇ વિરોધ થતો નથી. વેકેશનમાં વાલીઓ બાળકોને ખગોળ વિજ્ઞાનથી અગવત કરવા પ્લેનેટોરિયમમાં લાવે છે, ત્યારે બમણી ફી ચૂકવી છેતરાય તેવો ઘાટ સર્જાયો છે.
કોરોનાકાળ અગાઉ પ્લેનેટેરિયમની સરેરાશ આવક ત્રણથી ચાર હજારની હતી. જે શનિ-રવિ દરમિયાન 5થી 7 હજાર પર પહોંચી જતી હતી. પણ ત્યારેય માતબર આવક હોવા છતાં પાલિકાના અધિકારીઓએ વર્ષોથી પ્લેનેટેરિયમનું જર્મનીનું સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર રિપેર કરાવવાની તસ્દી લીધી ન હતી. જ્યારે દુનિયાનાં બાળકો અત્યાધુનિક પ્રોજેક્ટરોમાં શો જુએ છે ત્યારે નબળી નેતાગીરીને લીધે વડોદરાના 21મી સદીનાં બાળકોને 44 વર્ષ જૂના પ્રોજેક્ટરથી 10 મિનિટ તારા-નક્ષત્ર નિહાળીને અવકાશદર્શન કરવું પડે છે. પ્લેનેટેરિયમના ડાયરેક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું કે, ‘આ પ્રોજેક્ટનું રિપેરિંગ થઇ શકે તેમ નથી. નવું પ્રોજેક્ટર રૂા.6 કરોડથી રૂા. 16 કરોડનું ખરીદવું પડે તેમ છે. આ માટે હજી કોઇ નક્કર વિચારણા નથી.’
13 વર્ષ અગાઉ 5 લાખના ખર્ચે ટેલિસ્કોપ લાવ્યા, ઉપયોગ ન થયો, ફુગ લાગતાં પેક કરી મૂકી દેવાયું
વિદ્યાર્થીઓને અવકાશીય ઘટનાઓમાં રસ પડે અને આકાશદર્શન અને મહત્વની અવકાશીય ઘટના નિહાળી શકે તે હેતુથી પ્લેનેટેરિયમમાં 13 વર્ષ અગાઉ રૂા. 5 લાખના ખર્ચે અત્યાધુનિક ટેલિસ્કોપ લવાયું હતું. વર્ષો પછી કોરોના કાળમાં ઉચ્ચ અધિકારીઓ અને તેમના કુટુંબીજનો માટે ખોલાયું હતું. તાજેતરમાં આ ટેલિસ્કોપ ખોલતા તેના લેન્સ પર ફુગ જામી ગઇ હોવાનું સપ્લાયર એજન્સીએ જણાવ્યું હતું. જેથી રિપેરિંગ કર્યા વિના જ સીધું પેક કરીને મૂકી દેવાયું છે.
પ્લેનેટેરિયમમાં વેન્ટિલેશનના નામે વ્યવસ્થા નથી
પ્લેનેટેરિયમમાં 180 જેટલી બેઠકો છે. જે પૈકી 110 બેઠકોમાં જ મુલાકાતીઓને બેસાડવાની કોરોના ગાઇડ લાઇન મુજબ મંજૂરી અપાઇ છે. અત્યારે 70થી 110 જેટલા મુલાકાતીઓ શનિ-રવિ અને રજાના દિવસોમાં આવે છે. હાલ વેકેશનમાં અા ધસારો વધે તેવો અંદાજ છે. પ્લેનેટેરિયમમાં વેન્ટિલેશનના નામે કોઇ વ્યવસ્થા નથી. આ વિશે પાલિકાના અધિકારીને પૂછતાં ડોમમાં એસી હોવાથી હવાનું સરક્યુલેશન થતાં વધુ વેન્ટિલેશનની જરૂર નથી એમ જણાવ્યું હતું.
વેકેશનમાં વધુ ધસારો રહેતો હોય છે
કમાટીબાગ સ્થિત સરદાર પટેલ પ્લનેટોરિયમમાં શનિ-રવિમાં સરેરાશ કરતા વધુ દર્શકો આવતા હોય છે. વેકેશનમાં વાલીઓ બાગની સહેલગાહ સાથે ખગોળ દર્શન કરાવવા બાળકોને લાવતા હોવાથી ધસારો વધી જાય છે.ત્યારે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાય તે આવશ્યક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.