તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાકટાપણાની સજા:શહેરામાં ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 યુવાનોને નિર્વસ્ત્ર કરી ગ્રામજનોએ ઢોર માર માર્યો, સામસામે પોલીસ ફરિયાદ

શહેરાએક મહિનો પહેલા
સ્કૂલમાં ગયેલી વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 યુવાનોને નિર્વસ્ત્ર કરીને ગ્રામજનોએ ઢોર માર માર્યો
  • સગીરાના પિતાની ફરિયાદના આધારે 3 યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
  • યુવાનોને ઢોર માર મારનાર સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય ત્રણ શખસો સામે ફરિયાદ

પંચમહાલ જિલ્લાના શહેરમાં સ્કૂલમાં ગયેલી વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 યુવાનોને નિર્વસ્ત્ર કરીને ગ્રામજનોએ ઢોર માર માર્યો હતો. સગીર વિદ્યાર્થિનીની પિતાની ફરિયાદના આધારે 3 યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને શહેરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ 3 યુવાનોને ઢોર માર મારનાર સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય ત્રણ શખસો સામે પણ ગુનો નોંધ્યો છે.

યુવાનોએ સગીરા પાસેથી મોબાઇલ નંબર માગીને છેડતી કરી
શહેરા તાલુકાના એક ગામડાની બે વિદ્યાર્થિનીઓ ધો-9 અને ધો-11માં અભ્યાસ કરે છે. કોરોના મહામારીના કારણે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી બંને વિદ્યાર્થિનીઓ અભ્યાસ અર્થે શાળાએ ગઇ હતી અને બપોરના 12 વાગ્યે શાળા છૂટતાં પોતાના ઘરે પરત જઇ રહી હતી. તે સમયે જંગલ વિસ્તાર પાસે આવેલા માર્ગ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે શહેરાના વિજાપુર ગામનો અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહાર, મીઠાલી ગામના નિતેશ વિનોદભાઈ રાવત અને જીતેન્દ્રએ ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા પાસે મોબાઇલ નંબરની માગણી કરીને છેડતી કરી હતી.

ત્રણેય યુવાનોને નિર્વસ્ત્ર કરીને લાકડી, ડંડા અને બેલ્ટ જેવા હથિયારો અને ગડદાપાટુનો માર માર્યો
ત્રણેય યુવાનોને નિર્વસ્ત્ર કરીને લાકડી, ડંડા અને બેલ્ટ જેવા હથિયારો અને ગડદાપાટુનો માર માર્યો

યુવાનોએ બંને વિદ્યાર્થિનીને ધમકી આપી
બીજી વિદ્યાર્થિનીએ યુવાનોને આવુ ન કરવાનું કહેતા તેને પણ પતાવી દેવાની અને સગીરાને ભગાડી જવાની ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિનીઓ ગભરાઇને પોતાના ઘરે આવી ગઇ હતી. 14 વર્ષીય સગીરાએ સમગ્ર ઘટના અંગે તેની માતાને વાકેફ કરી હતી. જેથી મહિલાએ તેના પતિને જાણ કરતા ગુસ્સામાં આવીને વિજાપુર ગામે રહેતા અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહારને શોધવા જતા રસ્તામાં જ તેનો ભેટો થઇ ગયો હતો અને તેને છોકરીની છેડતી કેમ કરી તેમ કહીને મારવા લાગ્યા હતા.

સગીરાના પરિવારે ત્રણેય યુવાનોને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો
ત્યારબાદ તેના અન્ય બે મીઠાલી ગામના મિત્રો કે જે આ છેડતીમાં સામેલ હતા, તેઓને ફોન કરી પસનાલ ચોકડી પર બોલાવાનું કહેતા બંને મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા ત્યારે એક ઇસમ દ્વારા તેની સફેદ ગાડીમાં અનિલ ઉર્ફે ઈનોને પણ ત્યાં લઇ જઇને ત્રણેયને ઢોર માર મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેઓની ગુસ્સો ઓછો ન થતાં ડોકવા ગામની કોઈ અજાણી જગ્યાએ લઇ જઇ ત્રણેય યુવાનોને નિર્વસ્ત્ર કરીને લાકડી, ડંડા અને બેલ્ટ જેવા હથિયારો અને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

સગીરાના પિતાની ફરિયાદના આધારે 3 યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
સગીરાના પિતાની ફરિયાદના આધારે 3 યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

ત્રણેય યુવાનો સામે છેડતી-પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
આ ઘટનાની જાણ ખાંડીયા સરપંચને થતાં તેઓએ ત્રણેય યુવાનોને બચાવીને શહેરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ગંભીરતા જાણી તાત્કાલિક ત્યાં પહોંચી 108 દ્વારા ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને શહેરા સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જોકે 14 વર્ષીય સગીરાની છેડતી કરનાર 3 યુવાનોને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવાની ઘટનાને લઈ સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી જવા ગઇ હતી. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય 3 ઈસમો સામે ફરિયાદ
તો સામે પક્ષે પણ ત્રણ યુવાનો પૈકી અનિલ ઉર્ફે ઈનોએ પોતે નિર્દોષ હોવાનું જણાવીને સગીરાના દાદા, પિતા, કાકા અને બીજા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલના તબક્કે યુવાનો પોલીસની નજરમાં હેઠળ સારવાર હેઠળ છે અને સારવાર પૂર્ણ થયા બાદ કોરોના ગાઇડલાઇન પ્રમાણે તેઓની ધરપકડ કરવામાં આવશ. પોલીસે સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય ત્રણ ઈસમોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જાણવા મળે છે.

યુવાનોને ઢોર માર મારનાર સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય ત્રણ શખસો સામે ફરિયાદ
યુવાનોને ઢોર માર મારનાર સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય ત્રણ શખસો સામે ફરિયાદ

(અહેવાલઃ શ્યામલ પટેલ, શહેરા)

અન્ય સમાચારો પણ છે...