વડોદરા શહેરના જુદા-જદા વિસ્તારમાં દારૂ પીધેલા ત્રણ પતિઓને મહિલાઓએ પકડાવી દીધાના બનાવ સામે આવ્યા છે.
3 મહિલાઓએ દારૂડિયા પતિને પકડાવી દીધા
વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ રોજ બની રહી છે, ત્યારે શહેરના કારેલીબાગ, રાવપુરા અને નંદેસરીમાં ત્રણ મહિલાઓએ તેમના પતિને દારૂ પીધેલી હાલતમાં પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવી દીધાની ફરિયાદો નોંધાઇ છે.
મારો પતિ અને છોકરો દારૂ પીને મારઝૂડ કરે છે
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ મોડી રાત્રે પોલીસમાં ફોન કરીને કહ્યું હતું કે, મારો પતિ દારૂ પી હેરાન કરે છે. જેના આધારે પોલીસે આરોપી કયુબ નિજામઉદીન અનસારી (રહે. કાસમઆલા કબ્રસ્તાન, કારેલીબાગ)ની નશાની હાલતમાં ધરપકડ કરી હતી. બીજી તરફ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં એક મહિલાએ ફોન કરી પોલીસને જણાવ્યું હતું કે, મારો પતિ અને છોકરો દારૂ પીને મારઝૂડ કરે છે. જેથી પોલીસ બંને આરોપી સુખદેવ લક્ષ્મણરાવ ઠોમરે અને સાગર સાગર સુખદેવ (બંને રહે. નવલખી કમ્પાઉન્ડ, જીઇબી પાસે, વડોદરા)ની નશાની હાલતમાં ધરપકડ કરી હતી.
એપ્રિલ મહિનામાં 30 મહિલાએ દારૂડિયા પતિને પકડાવ્યા હતા
જ્યારે નંદેસરીમાં પણ એક મહિલાએ દારૂ પી ઝઘડો કરી રહેલા પતિ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આરોપી કિરણભાઇ વિનોદભા પટેલ (રહે. હાઉસિંગ બોર્ડના મકાન, નંદેસરી ગામ, વડોદરા)ની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં વડોદરા શહેરમા 30 મહિલાઓએ તેમના દારૂડિયા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.