કામગીરી:ફાયરિંગ કેસમાં લૂંટારુઓની ખોજ માટે 3 ટીમ બનાવાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 48 કલાક પછી પણ લૂંટારાને શોધવામાં પોલીસ ફેઇલ
  • નિઝામપુરાના​​​​​​​ બનાવમાં સીસીટીવીના ફૂટેજ ફંફોસવાની સાથે શકમંદોની પૂછપરછ કરી

નિઝામપુરાની આશિયાના પાર્ક સોસાયટીમાં લૂંટના ઇરાદે જ્વેલર પર તેના ઘર પાસે જ ફાયરિંગ કરવાના બનાવમાં પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસની ત્રણ ટીમોએ શકમંદોની પૂછપરછ સાથે સીસીટીવી ફૂટેજ ફંફોસવાનું શરૂ કર્યું છે. નિઝામપુરામાં આવેલી આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતા જ્વેલર ભાવેશકુમાર સોની રવિવારે તેની દુકાનેથી પોતાના ઘરે આવ્યા હતા. તે સમયે ઘરની બહાર જ બે બાઇક પર આવેલા 4 શખ્સો પૈકી બે જણે હિસાબો અને કેશ ભરેલા થેલાની લૂંટ ચલાવવાનો પ્રયાસો કર્યો હતો.

જોકે જ્વેલર ભાવેશ સોનીએ પ્રતિકાર કરતાં 4 પૈકીના એકે તેમના પર ફાયરિંગ કર્યું હતું. દરમિયાન બૂમાબૂમ થતાં 2 બાઇક પર લૂંટારુઓ ફરાર થયા હતા. ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાતાં ફતેગંજ પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. પોલીસે ત્રણ ટીમો બનાવી લૂંટારુઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે આ બનાવમાં નિવેદન લેવાની સાથે શકમંદ શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી છે. તદુપરાંત ત્રણ ટીમોએ રૂટ પરના સીસીટીવી સહિતની ટેક્નિકલ બાબતોની તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે શહેરમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા તે દિવસે રાતે જ ફાયરિંગની ઘટના બનતાં શહેરમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થતાં પોલીસ બેડામાં દોડધામ મચી હતી અને વિસ્તારમાં અફરાંતફરી મચી હતી.જોકે ઘટનાના 48 કલાક બાદ પણ પોલીસના હાથ ખાલી જોવા મળી રહ્યા છે.પોલીસની ત્રણ ટીમોએ શકમંદોની પૂછપરછ સાથે સીસીટીવી ફૂટેજ ફંફોસવાનું શરૂ કરી વિવિધ લોકોના નિવેદનો લઇને તપાસને ગહન બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...