વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠના ઓર્થોપેડિક વિભાગના જુનિયર વિદ્યાર્થી સાથે રેગિંગ કરનાર ત્રણ સિનિયર ડોક્ટરોને તબીબી ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આવતીકાલે ફરી બેઠક થશે
સુમનદીપ વિદ્યાપીઠમાં આજે એન્ટિ રેગિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પીડિત વિદ્યાર્થીના માતા-પિતાને સાથે રખાયા હતા. આ કમિટીની બેઠક આજે સાંજે 7 વાગ્યા સુધી જારી રહી હતી. હવે બેઠકનો બીજો દોર આવતીકાલે સવારે થશે. જેમાં પણ પીડિત વિદ્યાર્થીના માતા-પિતાને હાજર રાખવામાં આવશે. સાથે સુમનદિપ વિદ્યાપીઠની અન્ય ફેકલ્ટીઓમાં પણ રેગિંગ ન થાય તે માટે તે વિભાગોના ડીનને સૂચનો આપવામાં આવ્યા છે.
પીડિત વિદ્યાર્થી આત્મહત્યા કરવાનું વિચારતો હતો
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી. જેમાં કોલેજ શરૂ થયાના 10 દિવસમાં જ વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાના આક્ષેપ વિદ્યાર્થીના વાલીઓએ કર્યા છે. ઘટનાની અસર વિદ્યાર્થી પર એવી થઈ કે વિદ્યાર્થી આત્મહત્યા કરવાના વિચારો કરવા લાગ્યો હતો. સમગ્ર મામલો બહાર આવતા એન્ટી રેગિંગ કમિટી દ્વારા આક્ષેપિત ત્રણ વિદ્યાર્થીઓનો જવાબ લેવામાં આવ્યો હતો. તેમજ આજે કમિટીની બેઠકમાં પીડિત વિદ્યાર્થીના પિતા હાજર રહ્યા હતા. દરમિયાન રેગિંગની ઘટનામાં આક્ષેપિત ડો. ક્ષેમાંકર શાહ, ડો. ગૌરવ વાડોદરિયા અને ડો. હાર્દિક નાયકને તબીબી ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કમિટીની તપાસ પૂર્ણ થયે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિદ્યાર્થીને આ રીતે પરેશાન કરાતો હતો
કુદરતી ક્રિયા પહેરેલા કપડે કરવા કહ્યું: વાલી
વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, અમારા સંતાનની સાથે એવું વર્તન થયું કે, અમારે બાળકને કોલેજ શરૂ થયાના 10 દિવસમાં પરત વતન લાવવો પડે તેવી તેની સ્થિતી થઈ હતી. અમારા સંતાને જણાવ્યુ હતું કે, તેના સિનિયરો તેના પર તેમના પર્સનલ કામને લઈને દબાણ કરતા હતા. તેને કુદરતી ક્રિયા બધાની સામે કપડામાં જ કરવાનું કહીને તેને ક્ષોભની સ્થિતીમાં મુકતા હતા.
સિનિયરો અપશબ્દો બોલી અપમાન કરતા
સિનિયરો જુનિયરને નીટના ગુણ મુજબ રેન્ક વાઈઝ ઉભા રાખીને બિભત્સ ભાષામાં અપમાનિત કરતા હતા. ‘પર્સનલ કામ ના કર્યાં તો રાત્રે હેરાન કરીશું’ તેવી ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.