તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુખ્ખા તત્વોનો આતંક:વડોદરાના હાથીખાના બજારમાં વેપારીને બાનમાં લઇને 3 શખસોએ તીક્ષ્ણ હથિયારની અણીએ 7 હજારની લૂંટ ચલાવી

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
કારેલીબાગ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • કારેલીબાગ પોલીસે અંગે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં

વડોદરા શહેરના હાથીખાના બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીને બાનમાં લઇને હાથીખાના બજારમાં જ અડ્ડો જમાવતા ત્રણ માથાભારે શખસોએ તીક્ષ્ણ હથિયારની અણીએ 7 હજાર રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કારેલીબાગ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઇલ ઝૂંટવીને ચારેય મજૂરોને દુકાનમાંથી બહાર કાઢ્યા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અંકિતભાઇ મહેશ્વરી હાથીખાના બજારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. બે દિવસ પહેલાં બપોરના સમયે કાજુ ભરેલો ટેમ્પો આવવાનો હોવાથી તેઓ દુકાન પર પહોંચ્યા હતા અને મજૂરોને બોલાવી રાખ્યા હતા. તે સમયે હલીમા અને લાલો ઉર્ફે બીડી નામના શખસો દુકાને ઘસી આવ્યા હતા અને દુકાનમાં હાજર અંકિતભાઈ તથા મોબાઇલ ઝૂંટવી લઇને ચારેય મજૂરોને દુકાનમાંથી બહાર કાઢ્યા હતા.

50 હજાર રૂપિયાની માગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી
દરમિયાન, અંકિતભાઇને દુકાનની અંદર લઇ જઇને તું માર્કેટ 'સેસ'ની ચોરી કરે છે તેમ જણાવી રૂપિયા 50 હજારની માગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પૈસા મુદ્દે સતત અડધો કલાક સુધી દુકાન માલિકને ધમકાવ્યા હતા. દરમિયાન અન્ય એક સાગરિત હસન ઉર્ફે ઝાંઝર સ્થળ પર ધસી આવ્યો હતો અને અનાજની બોરી માંથી સેમ્પલ લેવા માટેનું ધારદાર બંબુ બતાવીને 50 હજાર પૈકી 20 હજારની માગ કરી હતી.

7 હજારની લૂંટ ચલાવ્યા બાદ ધમકી આપીને નાસી છૂટ્યા
ગભરાયેલા દુકાન માલિક અંકિતભાઇએ ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા 7 હજાર કાઢીને આપ્યા હતા. 7 હજારની લૂંટ ચલાવ્યા બાદ ટોળકીએ વેપારીને જણાવ્યું હતું કે, જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા.

એસોસિયેશને સહકાર આપતા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
માથાભારે ટોળકીની ધમકીથી ગભરાઇ ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ, એસોસિયેશને સહકાર આપતા તેઓએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

હાથીખાના વિસ્તારના અસામાજીક તત્વો બેફામ બન્યા
નોંધનીય છે કે, આરોપીઓ અસંખ્યવાર કારેલીબાગ પોલીસ મથકે અલગ-અલગ ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે. તેમ છતાં પોલીસે તેમના પુરા સરનામાં દર્શાવવાની તસ્દી લીધી નથી. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી હાથીખાના વિસ્તારના અસામાજીક તત્વો બેફામ બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...