અકસ્માત:વડોદરા-કેવડિયા રેલવે લાઇન ક્રોસ કરી રહેલા 3 લોકો મેમુ ટ્રેનની અડફેટે આવ્યા, 2 પુરૂષના મોત, મહિલાની હાલત ગંભીર

વડોદરાએક મહિનો પહેલા
ટ્રેનની અડફેટે આવેલા મૃતકોની ફાઇલ તસવીર
  • ડભોઇના સંતપુરી પાસે રેલવે ફાટક ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
  • દર્દીઓ અને વિદ્યાર્થીઓને જોખમી રીતે રેલવે લાઇન પસાર કરવી પડે છે, ફાટક બનાવવા માગ ઉઠી

વડોદરા-કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી રેલવે લાઇન ઉપર બુધવારે મોડી રાત્રે ટ્રેનની અડફેટે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ અડફેટે આવી ગયા હતા. ડભોઇ રેલવે સ્ટેશન પાછળ સંતપુરી પાસે બનેલા આ બનાવમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે મહિલાને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે. સંતપુરી પાસે રેલવે ફાટક જેવી સુવિધાનો અભાવ હોવાથી આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

3 લોકો મેમુ ટ્રેનની અડફેટે આવી ગયા
ડભોઇથી કેવડિયા કોલોની સુધી થોડા સમય પહેલાં જ બ્રોડગેજ લાઇનોનો પ્રારંભ થયો હતો. બ્રોડગેડ લાઇન શરૂ થયા બાદ પસાર થતી ટ્રેનોના કારણે રેલવે ટ્રેકની આસપાસમાં આવેલા વિસ્તારના રહીશોને સતત ભયના ઓથાર નીચે રેલવે ટ્રેક પસાર કરવો પડે છે. મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે ડભોઇ રેલ્વે સ્ટેશનથી સરીતા ક્રોસિંગની મધ્યમાં જલારામ મંદિરના પાછળના ભાગે આવેલા સંતપુરી વિસ્તારની એક મહિલા સહિત ત્રણ લોકો રામુભાઇ મંગાભાઇ દેવીપૂજક, પુનમભાઇ મણીલાલ દેવીપૂજક અને શાહદીબહેન પુનમભાઇ દેવીપૂજક પસાર થતી મેમુ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેમાં એકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા સહિત બે વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બીજા વ્યક્તિનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું.

એક મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ
એક મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ

સ્થાનિક લોકોએ આક્રોશ ઠાલવ્યો
સંતપુરી વિસ્તારના બે વ્યક્તિના ટ્રેનની અડફેટે મોત નીપજતાં સંતપુરીમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. મોડી રાત્રે રેલવે ટ્રેક ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બે વ્યક્તિના મોત માટે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી રોષ ઠાલવ્યો હતો. સંતપુરીના બે લોકોના મોત નીપજતાં સંતપુરીમાં સન્નાટો રહ્યો હતો. લોકોએ સંતપુરીના લોકોને જવા-આવવા માટેનો પ્રશ્ન હલ કરવા માટે ઉગ્ર માંગણી કરી હતી.

ડભોઇના સંતપુરી પાસે રેલવે ફાટક ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
ડભોઇના સંતપુરી પાસે રેલવે ફાટક ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો

વિદ્યાર્થીઓને જોખમી રીતે ફાટક ક્રોસ કરવુ પડે છે
સ્થાનિક લાલુભાઇ દેવીપૂજકે જણાવ્યું હતું કે, સંતપુરી વિસ્તારમાં 400 જેટલા પરિવારના લોકો રહે છે. બ્રોડગેજ લાઇન શરૂ થયા બાદ સંતપુરીના લોકોના જવા તેમજ આવવા માટે પાલિકા તેમજ રેલવે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી. આ વિસ્તારના રહિશો બીમાર પડે તો રેલવે ફાટક ઓળંગીને દવાખાને સારવાર માટે લઈ જવાની ફરજ પડે છે. આ ઉપરાંત સ્કૂલમાં જતાં વિદ્યાર્થીઓને પણ પોતાનો જીવ જોખમમાં મુકી રેલવે લાઇન ક્રોસ કરીને જવાને ફરજ પડી રહી છે.

દર્દીઓ-વિદ્યાર્થીઓને જોખમી રીતે રેલવે લાઇન ક્રોસ કરવી પડે છે
દર્દીઓ-વિદ્યાર્થીઓને જોખમી રીતે રેલવે લાઇન ક્રોસ કરવી પડે છે

ફાટક બનાવવા અનેક વખત રજૂઆતો કરી
સ્થાનિક શંકરભાઇએ જણાવ્યું હતું કે, સંતપુરીના રહીશોને આવવા-જવા માટે રસ્તો બનાવી આપવા તેમજ ફાટક બનાવવા માટે સબંધિત વિભાગોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મોડી રાત્રે સંતપુરીના ત્રણ વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. હજુ તંત્ર કેટલાનો ભોગ લીધા પછી અમારી માગ પૂરી કરશે તેની અમને ખબર નથી. મોડી રાત્રે બનેલી ઘટના બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અને વહેલી તકે રેલવે લાઇન લોકો નિર્ભય બનીને ક્રોસ કરે તેવી સુવિધા સત્વરે કરવામાં આવે તેવી માંગણી કરી છે.

ડભોઇ આવવા રેલવે ટ્રેક ઓળંગવાની મજબૂરી
ડભોઇ બ્રોડગેજ રેલવે લાઇન ધરાવતા રેલવે સ્ટેશન સામે આવેલા સંતપુરી માં 1000થી વધુની વસ્તી છે. ત્યાંના લોકોને ડભોઇ આવવા માટે ટ્રેક ક્રોસ કરવો મજબૂરી બની ગયો છે. વેગાવાડિયો, સંતપુરીના 1500થી વધુ વસ્તી ધરાવતા વિસ્તાર માટે ટ્રેક ક્રોસ કર્યા વિના અન્ય કોઇ વિકલ્પ નથી. જ્યારે પાછળના માર્ગે 2 કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવો પડે છે.

એક જ સમયે બે ટ્રેનો ક્રોસ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
સંતપુરીમાં રહેતા દંપતી સહીત તેઓની સાથેના વિસ્તારમા રહેતા આધેડ જ્યારે સુરતથી પોતાની દિકરીને મળીને ડભોઇ પરત આવ્યા હતા. ત્યારે રેલ્વે ક્રોસ કરતી વખતે એક તરફ ધ્યાન આપ્યુ ત્યારે રેલ્વે સ્ટેશન તરફથી વડોદરા તરફ ગાડી જતી હોતી. ત્રણેય જણા ગાડીને જોઇ બાજુની ટ્રેક પર ઉભા થઈ રહ્યા. જ્યારે વડોદરા તરફથી કાળબનીને ધસમસતી આવેલ મેમુ ટ્રેને ત્રણેયને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે મહિલા ગંભીર રીતે ઇજગ્રસ્ત થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...