વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી પાસે એક વિદ્યાર્થીની કોલેજના જ ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરવામાં આવ્યાની ઘટના બની છે. તો બીજી તરફ સાયન્સ ફેકલ્ટી પાસે એક વિદ્યાર્થીને ફટકો મારી તેનું માથું ફોડી નાખ્યાનો બનાવ બન્યો છે. આમ એક જ દિવસમાં છેડતી અને મારામારીની ઘટનાઓ બનતા યુનિવર્સિટી જાણે વિવાદોનું કેન્દ્ર બની છે. બંને બનાવમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
યુનિટી બિલ્ડિંગ પાસે છેડતી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતાં તેમાં થઇ રહેલા વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. ગઇકાલે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી પાસેથી એક વિદ્યાર્થિની પસાર થઇ રહી હતી, ત્યારે યુનિટ બિલ્ડિંગ ખાતે જ રીયાન કૈયુમખાન પઠાણ (રહે. વેરાઇ માતાના મંદિરવાળું ફળીયું, ગામ રણીયા, તા. સાવલી, જી. વડોદરા), અબુતાલીબ અબ્દુલકલામ પઠાણ (રહે. રોશનનગર, નવાયાર્ડ, વડોદરા) અને શાહીદ મુસ્તકીમ શેખે (રહે. એકતાનગર, છાણી જકાતનાકા, વડોદરા) વિદ્યાર્થીની સામે અભદ્ર ઇશારા કરી છેડતી કરી તેનો પીછો કર્યો હતો.
ત્રણ આરોપીની અટકાયત
જેથી વિદ્યાર્થીનીએ છેડતી મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રીયાન, અબુતાલીબ અને શાહીદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને કોરોના રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. કોરોના રિપોર્ટ આવી ગયા બાદ ત્રણેયની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવશે.
યુનિવર્સિટીમાં મારમારીની અન્ય એક ઘટના
એમ.એસ.યુનિવર્સિટીમાં ગઇકાલે મારમારીની અન્ય એક ઘટના બની હતી. જેમાં કોમર્સ ફેકલ્ટીમાં ભણતો આયુશ રાજેશભાઇ શર્મા નામનો વિદ્યાર્થી સાયન્સ ફેકલ્ટી પાસે બેસી તેની ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. ત્યારે બાજુમાં બેઠેલા કરણ, વાસુ અને અન્ય એક અજાણ્યા યુવકે તું અમારી વાતો કેમ સાંભળે છે? તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં વાસુએ લોખંડનો સળિયો આયુશના માથાના પાછળના ભાગે માર્યો હતો. તેમજ ત્રણેયે માર મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત થયેલ આયુશને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે કરણ, વાસુ અને અજાણ્યા યુવક સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
નમાઝ મામલે પણ વિવાદ થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યુનિવર્સિટીમાં સંસ્કૃત મહાવિદ્યાલય સામે નમાઝ પઢવાનો વીડિયો વાઇરલ થયો હતો. જ્યાર બાદ બીજા દિવસે યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થીઓ પણ નમાઝ પઢી હતી. આમ હજુ નમાઝનો વીડિયો વાયરલ થયાની ઘટના શમી ન હતી ત્યાં હવે છેડતી અને મારામારીના બનાવે વધુ એક વિવાદ સર્જ્યો છે.
આઇકાર્ડ ચેકિંગની માંગ મારામારીની ઘટનાઓને પગલે આજે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચી યુનિવર્સિટીમાં બહારના તત્વોનો પ્રવેશ બંધ થાય અને આઇકાર્ડનું સઘન ચેકિંગ થાય તેવી માંગણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.