કોરોનાના ત્રીજા વેવની તૈયારી:211 કરોડના ખર્ચે 3 નવી હોસ્પિટલો બનશે; વડોદરામાં કારેલીબાગ ચેપી રોગની હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને લેપ્રસી ગ્રાઉન્ડમાં 3-3 માળની બિલ્ડિંગ બનશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરમાં કુલ બેડની સંખ્યામાં 3400નો વધારો થતાં કુલ સંખ્યા 16 હજાર પર પહોંચી જશે

આગામી મહિનાઓમાં કોરોનાના ત્રીજા વેવની આશંકા છે ત્યારે તેને પહોંચી વળવા અને વડોદરાને કાયમી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા 211.48 કરોડના ખર્ચે 3 નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરાઈ છે. આ ત્રણ હોસ્પિટલોમાં વધુ 3400 બેડ ઉમેરાતા શહેરમાં કુલ ઉપલબ્ધ બેડની સુવિધા 16 હજાર થશે. હાલ વડોદરામાં 12600 બેડ છે. આ ત્રણેય હોસ્પિટલો રાજ્ય સરકારના બજેટમાં મંજૂર પણ થઇ ચૂકી છે. આ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરીને રવિવારે રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપરત કરાયો હતો.માસ્ટર પ્લાનના આયોજન મુજબ 4 માસમાં આ હોસ્પિટલો તૈયાર થઇ જશે.

કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ, ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના કેમ્પસમાં અને આજવા રોડ ખાતેના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 3-3 માળની હોસ્પિટલો તૈયાર કરાશે. આ પૈકી અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ અને ચેપી રોગની હોસ્પિટલ ખાતે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગોત્રી પરિસર ખાતે ઇમર્જન્સી મેડિસિન બિલ્ડિંગ માટેનું બાંધકામ કરાશે. ત્રણેય હોસ્પિટલો માટે કુલ 2935.18 ચોમી જમીન ફાળવાઈ છે. આ હોસ્પિટલોમાં કોરોનાના જ નહીં પણ અન્ય રોગોના દર્દીની પણ સારવાર શક્ય બનશે.

હાલમાં શહેરમાં ખાનગી હોસ્પિટલોની 9000 બેડ છે, જ્યારે સરકારી ફેસિલિટીમાં 2,600 બેડ છે, જે આગામી સમયમાં 6000 પર પહોંચશે. આ તમામ બેડ ફ્રી હશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 1000 બેડનો વધારો કરાશે. હોસ્પિટલો માટે તબીબો અને સ્ટાફની પણ માગ કરાઈ છે. વડોદરાને આ સુવિધા મળી જશે તો આવનારા કોરોનાના ત્રીજા વેવમાં દર્દીઓને બેડ માટે દોડધામ કરવી પડશે નહીં.

હોસ્પિટલો ઓક્સિજન પ્લાન્ટ્સથી સજ્જ હશે
કોરોનાના બીજા વેવમાં ઓક્સિજનની જે કટોકટી સર્જાઇ છે તેને ધ્યાનમાં રાખીને આ નવી હોસ્પિટલોમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ પણ મૂકાશે. આ માટે આ પ્લાન્ટ કેવી રીતે તૈયાર કરવો, તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેના માર્ગદર્શન માટે આઇઓસીએલ, ગુજરાત રિફાઇનરી અને ઓએનજીસીની હાઇપાવર ઓક્સિજન મેનેજમેન્ટ કમિટીની રચના કરાશે. જ્યારે દવાઓના નિયમિત અને પૂરતા પુરવઠા માટે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (જીએમએસસીએલ)ની મદદ લેવાશે.

વડોદરા શહેરમાં કુલ બેડની સંખ્યામાં 3400નો વધારો થતાં કુલ સંખ્યા 16 હજાર પર પહોંચી જશે
વડોદરા શહેરમાં કુલ બેડની સંખ્યામાં 3400નો વધારો થતાં કુલ સંખ્યા 16 હજાર પર પહોંચી જશે

અન્ય જિલ્લા-રાજ્યના દર્દીથી શહેરની હોસ્પિટલમાં ભારણ
ઓએસડી ડો. વિનોદ રાવે હોસ્પિટલમાં બેડની સુવિધા અને કામગીરીનું પ્રેઝેન્ટેશન આપ્યું હતું અને ત્રીજી લહેર માટેની આગોતરું આયોજન પણ રજૂ કર્યું હતું. બેઠકોમાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાસંદ રંજન ભટ્ટ, મેયર કેયૂર રોકડિયા, ધારાસભ્યો અને કલેકટર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ પટેલે જણાવ્યું કે, મલ્ટી સ્પેશિયિલિટી હોસ્પિટલો શરૂ થાય તે માટે ધારાસભ્યો, સાંસદોએ અગાઉથી રજૂઆતો કરી છે. આજે મેં મંત્રીને જણાવ્યું કે, બીજા રોગના દર્દીની સારવારને પણ ધ્યાન અપાવું જરૂરી છે. વડોદરામાં આસપાસના જિલ્લામાંથી જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ દર્દી આવતાં ભારણ વધે છે.

કઈ કઇ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેટલું આયોજન ?
હોસ્પિટલ : અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ, આજવા રોડ

બેડની સંખ્યા : 1200
હોસ્પિટલનો વિસ્તાર : 1369 ચોરસ મીટર
કુલ ખર્ચ : રૂ. 66.18 કરોડ

હોસ્પિટલ : ચેપી રોગની હોસ્પિટલ, કારેલીબાગ બેડની સંખ્યા : 1200 હોસ્પિટલનો વિસ્તાર : 1500 ચોરસ મીટર કુલ ખર્ચ : રૂ. 72.48 કરોડ

હોસ્પિટલ : ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ કેમ્પસ
બેડની સંખ્યા : 1000
હોસ્પિટલનો વિસ્તાર : 1500 ચોરસ મીટર
કુલ ખર્ચ : રૂ. 72.48 કરોડ