છેતરપિંડી:ઠગ અપૂર્વ સામે રૂા.16.40 લાખની છેતરપિંડીની વધુ 3 ફરિયાદ નોંધાઈ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન-દુકાનનાં બુકિંગ રદ કરાવ્યા બાદ રૂપિયા પરત ન આપ્યા
  • ​​​​​​​અપૂર્વ પટેલે આપેલા ચેક પણ બેંકમાંથી બાઉન્સ થયા હતા

મહાઠગ અપૂર્વ પટેલ સામે ફરિયાદોનો સિલસિલો યથાવત્ છે. સોમવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અપૂર્વ વિરુદ્ધ 16.40 લાખની ઠગાઈની વધુ 3 ફરિયાદ નોંધાઈ હતી.ડભોઈ ખાતે રહેતા તુષાર રાણા ખેતીવાડી વિભાગમાં કોન્ટ્રક્ટ પર નોકરી કરે છે. બાળકોના ભવિષ્યને કારણે તેઓને વડોદરા સ્થાયી થવાનું હોવાથી 2019માં અપૂર્વ પટેલની માંજલપુરની સાઈટ મેપલ સિગ્નેચરમાં મકાન જોવા ગયા હતા. જ્યાં 21.51 લાખનું મકાન પસંદ આવતાં તેમણે 3.80 લાખ આપીને બુકિંગ કરાવ્યું હતું.

જોકે અપૂર્વે મકાનનો બાનાખત આપ્યો નહોતો. જેથી તુષારે પૈસા પાછા માગતાં અપૂર્વ ધમકી આપતો હતો કે, જ્યારે મકાન વેચાશે ત્યારે પૈસા આપીશ, જે આજ સુધી ન મળતાં તુષારે અપૂર્વ સામે ફરિયાદ નોંધાવી હતી. બીજા કિસ્સામાં પરિવાર ચાર રસ્તા પાસે રહેતા પ્રદિપ પટેલ હાલમાં નિવૃત્ત જીવન જીવે છે. 2018માં તેઓને દુકાન ખરીદવી હોવાથી માંજલપુર લક્ષ્મીનારાયણ પાસે આવેલી અપૂર્વ પટેલની મેપલ સિગ્નેચર સાઈટ પર દુકાન જોવા ગયા ગતા. જ્યાં 33.80 લાખની દુકાન પસંદ આવતાં તબક્કાવાર અપૂર્વને 6.60 લાખ આપ્યા હતા.

જોકે લાંબા સમય સુધી દુકાનનું બાંધકામ ન થતાં પ્રદિપભાઈએ પૈસા પરત માગતાં અપૂર્વે 6 ચેક આપ્યા હતા. જોકે તમામ ચેક બાઉન્સ થતાં અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે ભાવનગરના વતની હરેશ કાછડિયા 2018માં સાઢુ ભાઈના ઘરે રહેતા હતા. તેઓને વડોદરામાં ઘર લેવું હોવાથી તે માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિર પાસેની મેપલ સિગ્નેચર સાઈટમાં મકાન જોવા ગયા હતા, જ્યાં 47 લાખનું મકાન પસંદ આવતાં મકાન બુક કરાવી 9 લાખ આપ્યા હતા. જોકે પાછળથી તેઓને જાણ થઈ હતી કે, સાઈટને રેરા તરફથી પરવાનગી નથી એટલે હરેશે મકાનનું બુકિંગ રદ કરાવતાં અપૂર્વે 3 લાખ પરત આપ્યા હતા, પણ 6 લાખ આપ્યા નહતા. જેથી હરેશભાઈએ અપૂર્વ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...