વડોદરામાં વકીલના ઘરમાં ચોરી:અમેરિકામાં રહેતા પુત્રના ઘરે ગયેલા મહિલા ધારાશાસ્ત્રીના બંધ મકાનમાંથી 3 લાખના મુદ્દામાલની ચોરી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

વિદેશમાં રહેતા પુત્રને મળવા માટે ગયેલા વડોદરાના મહિલા ધારાશાસ્ત્રીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 3 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સોના-ચાંદીના દાગીના સહિત મુદ્દામાલની ચોરી
પાણીગેટ વિસ્તારમાં એ-33 કોટીયાર્ક નગરમાં સિનિયર મહિલા ધારાશાસ્ત્રી માલતીબેન વાણી રહે છે. તેઓ તા. 21 જુલાઇના રોજ અમેરિકા ખાતે રહેતા પુત્રના ઘરે ગયા હતા. જેથી તેઓનું મકાન બંધ હતું. દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.

સોસાયટીમાં રહેતા વ્યક્તિએ વકીલને ચોરીની જાણ કરી
પાણીગેટ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે આ ચોરીની જાણ સોસાયટીમાં રહેતા ભરતભાઇ પાઠકે વકીલ માલતીબહેન વાણીને ફોન કરીને કરી હતી. ભરતભાઇએ વકીલને જણાવ્યું હતું કે, તમારા ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો છે. સાથે પહેલા માળે પણ રૂમનો દરવાજો ખુલ્લો છે. જે માહિતી મળતા મહિલા ધારાશાસ્ત્રી માલતીબેન વાણીએ તેઓના સાથી ધારાશાસ્ત્રી જયોતિકાબેન રાઉલજીને જાણ કરી હતી.

પોલીસે તસ્કરોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી
દરમિયાન, જયોતિકાબેન અને તેમના પતિ કમલેશભાઈ રાઉલજી માલતીબેનના ઘરે પહોચ્યા હતા. જ્યાં મકાનમાં પ્રવેશીને જોતા ઘરમાં ચોરી થઇ હોવાનું જાણાતા પોલીસને જાણ કરી હતી. તુરંત જ પોલીસ આવી પહોંચી હતી અને તપાસ કરી હતી. તે સાથે પોલીસે તસ્કરોના સગડ મેળવવા માટે પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસને કોઇ સગડ મળ્યા ન હતી.

સાથી વકીલના પતિએ ફરિયાદ નોંધાવી
અમેરીકામાં પુત્રને મળવા ગયેલા મહિલા ધારાશાસ્ત્રી માલતીબહેને પોતાના સાથી વકીલ જ્યોતિકાબહેનના પતિને ચોરીની ફરિયાદ આપવાનું જણાવ્યું હતું, જે અંગે કમલેશ રાઉલજીએ સોનાચાંદીના દાગીના મળી કુલ કિંમત 3 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાવી હતી. પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...