સફાઇમાં ઢીલાશ:3 લાખ લોકોને પીળા પાણીની સજા ભોગવવી પડશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજવા સરોવરમાં જંગલી વેલો પથરાઇ જતાં જળસંગ્રહ ક્ષમતા પણ ઘટી ગઇ છે. - Divya Bhaskar
આજવા સરોવરમાં જંગલી વેલો પથરાઇ જતાં જળસંગ્રહ ક્ષમતા પણ ઘટી ગઇ છે.
  • સફાઇની કાળજી ન રખાતાં આજવા તળાવમાં જંગલી વેલોનું સામ્રાજ્ય છવાયું
  • આજવાની સપાટી 211.69 ફૂટ થતાં ઉનાળામાં પૂર્વ વિસ્તારની તરસ છીપાવવા નર્મદાનાં નીર લેવા પડશે

ચોમાસાની સિઝન સરકારી ચોપડે પૂરી થઈ ગઈ છે ત્યારે આજવા જળાશયમાં જંગલી વેલો છવાઈ ગઈ છે અને તેનું સામ્રાજ્ય વધુ ન ફેલાય તે માટે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. જે હજી મહિના ચાલે તેમ મનાય છે. જેને કારણે પૂર્વ વિસ્તારના ત્રણ લાખ નાગરિકોને પીળા પાણીની પીડા ભોગવવી પડશે તે નક્કી છે. બીજી તરફ આજવાની સપાટી 211.69 ફૂટ થતાં ઉનાળામાં પૂર્વ વિસ્તારની તરસ છીપાવવા ફરી એક વખત નર્મદાના નીરનો આશરો લેવો પડશે.

બે વર્ષ પહેલાં પણ 30 લાખ રૂપિયાના ખર્ચે આજવા જળાશયની સફાઈ કરવામાં આવી હતી પણ ત્યાર બાદ પીળા પાણીની ફરિયાદો વધી ગઈ હતી.હાલમાં પણ જંગલી વેલા, લીલની સફાઇ શરૂ કરાઇ છે. જે હજી મહિનો ચાલશે. સફાઇમાં ઢીલાશ રખાતા પૂર્વ વિસ્તારના 3 લાખ લોકોને પીળા પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી પ્રબળ શકયતા વર્તાઇ રહી છે.

ચોમાસામાં આજવાના સ્ત્રાવ વિસ્તારમાં 735 એમ એમ એટલે કે 22 ઇંચ અને પ્રતાપપુરાના સ્ત્રાવ વિસ્તારમાં 821 એમ એમ એટલે કે 32.4 ઈંચ વરસાદ પડ્યો હતો. આજવાની સપાટી એક તબક્કે 205 ફૂટે પહોંચતાે નર્મદામાંથી પાણી લેવાતાં સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. આજવાની જળ સપાટી ચોમાસાના અંતિમ તબક્કે 212 ફૂટે પહોંચી હતી પરંતુ હવે તેમાં તબક્કાવાર રીતે ઘટાડો થઈ રહ્યો છે, બીજી નવેમ્બરે સપાટી 211.69 ફૂટે પહોંચી છે. આજવામાંથી રોજ 145 થી 150 એમ એલ ડી પાણી લેવામાં આવે છે. આગામી સાડા સાત મહિના બાદ વાઘોડિયા રોડ, આજવા રોડ,બાપોદ,કપુરાઈ, પ્રતાપનગર,વાઘોડિયા ડભોઇ રિંગ રોડ,સરદાર એસ્ટેટ,તરસાલી માટે પડકાર રૂપ રહેશે.આ સંજોગોમાં નર્મદાના નીર ખરીદવા પડે તેવી હાલત સર્જાશે.

દિવાળીમાં 10 MLD પાણીનો વપરાશ વધ્યો હતો
શહેરીજનોને રોજનું સરેરાશ 500 એમએલડી પાણી પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવે છે. હવે દિવસમાં એક વખત 45 મિનિટ પાણી પૂરું પડાય છે. ં દિવાળીના તહેવારમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા દરરોજ 10 એમએલડી એટલે કે 1 કરોડ લિટર વધારાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું અને બીજા શબ્દોમાં કહીએ તો 1 કરોડ લિટર પાણીનો વપરાશ તહેવારોમાં વધ્યો હતો.

જરૂર પડશે તો નર્મદાનું પાણી લેવાશે
સિંધરોટથી માર્ચની આસપાસ પાણી આપવાનું શરૂ કરી પ્રથમ તબક્કામાં 50 એમએલડી જેટલું પાણી તરસાલી સહિતના દક્ષિણના વિસ્તારોમાં પહોંચાડાશે. જેથી 40 થી 50 એમ એલ ડી પાણી બચશે. આજવાનું જળસ્તર ઘટી રહ્યું છે, જરૂર પડે તો નર્મદાનું વધારાનું પાણી લેવાશે. > અમૃત મકવાણા, એડી.સિટી એન્જિનિયર

મોટરથી પાણી ખેંચવા સામે ઝુંબેશ શરૂ કરાશે
પલાઇનમાં લીકેજની મરામતની જવાબદારી પાણી પુરવઠા પ્રોજેકટ વિભાગની રહેશે અને કોન્ટામિનેશન એટલે કે દૂષિત પાણીની સમસ્યા આવે તો ઉકેલની જવાબદારી જેતે ઝોનની રહેશે.ભવિષ્યમાં વેડફાટ ઓછો થાય અને મોટર દ્વારા પાણી ખેચાતું બંધ કરાવવા ખાસ ઝુંબેશ શરૂ કરાશે.> મનીષ પગાર, અધ્યક્ષ, પાણી પુરવઠા સમિતિ

અન્ય સમાચારો પણ છે...