ભાસ્કર એક્સક્લૂઝિવ:કેદારનાથમાં 3 કિમી લાંબી લાઇનો, હોટલોના ભાવ બમણા થઈ ગયા, મેગીના 200 લેવાયા

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેદારનાથનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. રોજ 10 હજાર લોકોનાં દર્શનની ક્ષમતા સામે 30 હજારથી વધુ લોકો પહોંચતાં 3 કિમી લાંબી કતારો લાગી હતી. - Divya Bhaskar
કેદારનાથનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. રોજ 10 હજાર લોકોનાં દર્શનની ક્ષમતા સામે 30 હજારથી વધુ લોકો પહોંચતાં 3 કિમી લાંબી કતારો લાગી હતી.
 • રોજ 10 હજારનાં દર્શનની ક્ષમતા સામે 30 હજારથી વધુ લોકો પહોંચે છે
 • હરિદ્વાર, રુદ્રપ્રયાગ, ગુપ્તકાશી સહિતનાં સ્થળો પર હોટલો ફુલ
 • વડોદરાના 25 હજાર જેટલા લોકો ચારધામની યાત્રાએ ગયા, દર્શનાર્થીના મતે કપરી સ્થિતિમાં પણ શ્રદ્ધા બેવડાઈ

કોરોનાનાં 2 વર્ષ બાદ ચારધામ યાત્રા ફરી શરૂ થતાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વડોદરાથી પણ 25 હજાર જેટલા ભક્તો યાત્રાએ ગયા છે. જોકે હરિદ્વારથી કેદારનાથ સુધી હોટેલો-ધર્મશાળા ફુલ થઈ ગયાં છે, જ્યારે હરિદ્વારથી કેદારનાથ જવા વાહન ન મળતાં યાત્રાળુ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વસ્તુઓના ભાવ બમણા થવા છતાં ભક્તોનો હૃદયનો ભાવ અકબંધ છે. જે વ્યવસ્થા મળે તે રીતે કેદારનાથ પહોંચવા લોકો પ્રયત્ન કરી રહ્યા છે.

કેદારનાથમાં રોજ 10 હજાર માણસોના દર્શનની ક્ષમતા સામે 30 હજારથી વધુ લોકો દર્શન માટે આવી રહ્યા છે, જેને કારણે 3 કિમી સુધી લાંબી લાઈનો પડતાં અનેક લોકોને બહારથી દર્શન કરી પરત જવાનો વખત આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારના સ્વેજલ વ્યાસ 2 દિવસ અગાઉ કેદારનાથ દર્શન કરી નીચે આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ કેદારનાથમાં 2 હજાર લોકો માટે રહેવાની જગ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચતાં રાત્રી રોકાણની મુશ્કેલી સર્જાય છે. બપોરે 2 વાગ્યા પછી ઉપર જવાનો રસ્તો સ્થાનિક પ્રશાસન બંધ કરી દે છે. રુદ્રપ્રયાગ, ગુપ્તકાશી સહિત તમામ સ્થળોની હોટલો પેક છે. જ્યારે વડોદરાના ટુર ઓપરેટરે કહ્યું હતું કે, જાતે ફરવા જનારા લોકો અટવાયા છે.

કેટલો ભાવ વધારો થયો?

ખર્ચપહેલાંઅત્યારે
હોટલનું ભાડુંરૂા.1500રૂા. 4000
હરિદ્વારથી ગાડીના રોજનારૂા.4000રૂા. 8000
કેદારનાથમાં મેગીનો ભાવરૂા.50રૂા.200
કેદારનાથ હેલિકોપ્ટરરૂા.5000રૂા. 10000
કેદારનાથ ઘોડારૂા.4000રૂા.8000
યમનોત્રી ઘોડારૂા.1800રૂા. 3000
કેદારનાથ ડોલીરૂા.4500રૂા. 12000

35 વર્ષમાં પહેલીવાર ભાવવધારો
હરિદ્વારમાં રોજ 5 લાખ યાત્રાળુ આવે છે. હોટલોના ભાવ 1500ને બદલે 3 હજાર થયા છે. 35 વર્ષમાં પહેલીવાર આવો ભાવવધારો જોયો. > રમેશ ઠાકર, આર્ય નિવાસ, હરિદ્વાર

બુકિંગ કર્યા સિવાય ભક્તો ન આવે એવું સ્થાનિકોનું સૂચન
હરિદ્વારથી આગળની વ્યવસ્થા થઈ જશે તેવી ધારણા કરી લોકો ન જાય, તેવું સ્થાનિકોએ સૂચન કર્યું છે. હરિદ્વારથી ચારધામ જવા વાહનોની તંગી છે. હરિયાણા-દિલ્હીથી ટેક્સીચાલકો બોલાવવા પડ્યા છે. જેથી બુકિંગ કરાવ્યા બાદ યાત્રાએ જવું જોઈએ.

પોલીસનો હુરિયો બોલાવાયો
યાત્રાળુમાં 60% ગુજરાતના હોવાનું મનાય છે. પ્રશાસને કેદારનાથમાં 3 કિમીની કતાર છતાં વીઆઈપી કલ્ચર શરૂ કરી દર્શન કરાવતાં લોકોએ પોલીસનો હુરિયો બોલાવ્યો હોવાનું વડોદરાના દર્શનાર્થીઓએે જણાવ્યું હતું.

ચારધામ જનારાએ શું કરવું જોઈએ?

 • લોકલ ટ્રાવેલ એજન્ટ પાસે બુકિંગ કરાવવું
 • કાયમ દર્શને જતા હોય તેવા સંઘમાં જવું
 • 15 જૂન પછી જવું હિતાવહ
 • ખર્ચનો અંદાજ બમણો રાખવો
 • ઓનલાઇન એજન્ટ-હોટલ બુક કરાવવી નહીં
 • કેદારનાથમાં અગાઉથી દર્શનનું રજિસ્ટ્રેશન કરાવવું
 • ​​​​​​​ભાઈબીજના દિવસ સુધી દર્શન માટે ખુલ્લાં રહે છે

(ટૂર-ઓપરેટરની સલાહ મુજબ)

અન્ય સમાચારો પણ છે...