બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા વાઘોડિયા તાલુકાના કોટંબી ખાતે સ્ટેડિયમના સંબંધમાં સ્ટેડિયમ કમિટીની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી, જેમાં કોટંબી સ્ટેડિયમમાં ઇન્ડોર 3 વિકેટ બનાવવાનો પણ નિર્ણય કરાયો હતો. એક અંદાજ મુજબ હવે સ્ટેડિયમના ખર્ચ રૂા.200 કરોડ સુધી પહોંચી શકે છે, તે અંગે પણ ચર્ચા થઇ હતી. અગાઉ આ અંદાજ રૂા.80 કરોડ કરાયો હતો, પણ તેમાં અન્ય બાંધકામનો સમાવેશ થતો ન હતો.
સ્ટેડિયમનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે કોટંબી સ્ટેડિયમ કમિટીની બેઠક સોમવારે મળી હતી. જેમાં બીસીએ પ્રમુખ પ્રણવ અમીન, ઉપપ્રમુખ શીતલ મહેતા, ટ્રેઝરર અજીત પટેલ, રાકેશ પરીખ અને સેક્રેટરી અજીત લેલે સહિતના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં બાંધકામ ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બાબતે પણ ચર્ચા થઇ હતી.બીસીએ સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમની ઓવરઓલ કોસ્ટ વધશે. પહેલાં જે કોસ્ટનો અંદાજ કરાયો હતો, તેમાં માત્ર કોંક્રિટ બાંધકામનો જ અંદાજ થયો હતો, પણ હવે 2 મેદાન બનાવવાનાં છે તેનો ખર્ચ અને જે તે સમયે લાઈટિંગના ખર્ચા ઉમેરાશે.
બીસીએનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ બિલ્ડિંગ મટિરિયલ્સમાં 25 ટકા કરતાં વધુ ભાવ વધ્યા છે અને સ્ટેડિયમમાં સવલતો વધારવાની હોવાથી તેની અસર કોસ્ટ પર પડશે. વરસાદમાં ટીમો પ્રેક્ટિસ કરી શકે તે માટે સ્ટેડિયમમાં 3 વિકેટો બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.