શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ભારત-ઓસ્ટ્રેલિયા વનડે ક્રિકેટ મેચ ઉપર કારમાં બેસી મોબાઈલ ફોન વડે સટો રમાડનાર બે યુવક સહિત 3 ઝડપાયા હતા. હરણી પોલીસે બે આરોપીને વોન્ટેડ જાહેર કરી રોકડા 5 લાખ સહિત 7.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સંગમ હોટલ નજીક કારમાં બે શખ્સો મોબાઈલ ફોન વડે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા હોવાની બાતમી મળતાં પીઆઈ સંદિપ વેકરીયા અને તેમની ટીમે વોચ ગોઠવી બાતમી મુજબના સ્થળેથી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોનની એપ્લિકેશનમાં મેચમાં વિવિધ ભાવ દર્શાવાતા હતા. જેમાં ભાવ અને સેશન્સ પણ દર્શાવતાં હતા.
આ બંને શખ્સો ક્રિકેટ મેચનું પ્રસારણ મોબાઇલમાં નિહાળી હાર- જીતના સોદા કરતા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓ વિષ્ણુ ઘનશ્યામ કાછિયા પટેલ (ઇન્દ્રપુરી સોસાયટી, હાલોલ) અને ઝાકીર મહંમદ ઘાંચી (સંજરી પાર્ક, હાલોલ) હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે ક્રિકેટ મેચનો સટ્ટો કાપનાર હિતેશ વરિયા અને રવિશાહ (હાલોલ)ને વોન્ટેડ જાહેર કરાયા હતા, જ્યારે ગોપાલ વાળંદ (કંજરીરોડ,હાલોલ)ની મોડી રાત્રે અટક કરી હતી. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂા.5 લાખ, મોબાઈલ ફોન તથા કાર સહિત રૂા.7.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં એમ પણ બહાર આવ્યું છે કે, ઝાકીર ઘાંચી રીક્ષા ચલાવે છે પણ તેના મોબાઇલથી વિષ્ણુ પટેલ સટ્ટાના પૈસાની લેવડ-દેવડ કરતો હતો.વિષ્ણુ પટેલ હાલોલમાં ડુંગળી-બટાકાનો ધંધો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.