મારી ઉંમર 50 વર્ષની છે. ગયા વર્ષે આ જ અરસામાં રમજાન માસમાં મને ખાંસી થઇ હતી. ત્યારબાદ મારો મિત્ર મને એસએસજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ મને દાખલ કરી દીધો હતો. મને તે વખતે હાઇ ઓક્સિજનની જરૂર હોવાનું જણાવી ઓક્સિજન પર રાખ્યો હતો, પણ તે વખતે દર્દીની કોઇ દરકાર રખાતી ન હતી. આખરે અઢી દિવસ બાદ મેં મારા પુત્ર અને ભાઇને ફોન કરી અહીંથી બીજી હોસ્પિટલમાં લઇ જવા કહ્યું હતું અને એક દિવસ પછી મને ભાઇલાલ અમીન હોસ્પિટલમાં લઇ ગયા હતા.
આ હોસ્પિટલમાં મને 15થી 16 દિવસ રાખ્યો હતો, જેમાં 2 દિવસ મને હાઇ ઓક્સિજન પર રખાયો હતો. તે પછી મને મુસ્લિમ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જોકે ત્યાં એસી કે ઓક્સિજનની વ્યવસ્થા ન હતી અને રાત્રે 12 વાગે મારી તબિયત વધુ ખરાબ થઇ હતી, જેથી મારા પરિવારે મને સવિતા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સવિતા હોસ્પિટલમાં મને બીજા 10 દિવસ રાખ્યો હતો અને ત્યાં મને 3-4 દિવસ મિડલ ઓક્સિજન પર રખાયો હતો. 3 હોસ્પિટલમાં હું એક મહિનો રહ્યો હતો અને તેમાં 9 દિવસ હાઇ અને મિડલ ઓક્સિજન પર રહ્યો હતો.
જોકે હું કહેવા માગીશ કે કોઇ પણ વ્યક્તિએ હિંમત ન હારવી જોઇએ. જો વ્યક્તિ હિંમત રાખશે તો ઇશ્વર અને અલ્લાહ જરૂર મદદ કરશે. ઇશ્વર-અલ્લાહ એક જ છે અને આપણે સૌ તેના પરિવારના સભ્યો છીએ. હું તો કહું છું દર્દી માટે તેની હિંમત જ અસરકારક દવા છે અને હિંમત હોય તો મોત પણ કંઇ નહીં કરી શકે. (પાણીગેટ રોડ પર ઉત્તમચંદ ઝવેરીની પોળમાં રહેતા ફારુક દૂધવાળા સાથે થયેલી વાતચીત અનુસાર )
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.