રિમાન્ડ મંજૂર:લૂંટ-ધાડમાં માહેર ખજૂરિયા ગેંગના 3 મદદગાર પકડાયા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાહોદની ગેંગે 13 જિલ્લામાં 30થી વધુ ગુના આચર્યા હતા
  • ત્રણ આરોપીના તા.29મી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા

રાજ્યના 13 જિલ્લામાં 30થી વધુ લૂંટ અને ધાડ સહિતના ગુનાઓ આચરી હાહકાર મચાવનારી દાહોદ જિલ્લાની ખજુરીયા ગેંગને મદદગારી કરનારા ત્રણ આરોપીની દાહોદ પોલીસે ધરપકડ કરી હતી. આજે તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં ન્યાયાધીશે તમામ આરોપીના તા.29મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લૂંટ અને ધાડ સહિતના ગુનામાં સંડોવાયેલા ખજુરીયા ગેંગના 3 આરોપીઓ જવસિંગ ઉર્ફે જવો પલાસ, દિલીપ બારીયા અને નિકેશ જવસિંગ પલાસની દાહોદ પોલીસે અગાઉ ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછમાં ખજુરીયા ગેંગ દ્વારા રાજ્યના 13 જિલ્લામાં 30થી વધુ ગુનાઓ આચર્યાં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. તપાસમાં બનાવમાં 11 આરોપીઓની સંડોવણી હોવાનું પણ ખુલવા પામ્યુ હતું. તપાસમાં ખજુરીયા ગેંગ સંગઠીત ગેંગ હોય પોલીસે તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ત્રણ આરોપીના રિમાન્ડ મેળવ્યાં હતા.

દરમિયાનમાં પોલીસે લૂંટના બનાવમાં સંડોવાયેલા વધુ એક આરોપી ઇનેશ બાલુભાઇ પરમારને ઝડપી પાડ્યો હતો. આ તમામ આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ખજુરીયા ગેંગને ગુના આચરવામાં મદદગારી કરનાર ત્રણ આરોપીના નામ સપાટી પર આવતાં પોલીસે મદદગારી કરનારા મુકેશ ભરત પરમાર, પંકજ નરવરસિંહ પરમાર અને રમેશ વીરસીંગ પરમારની ધરપકડ કરી હતી. આજે તમામ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતાં સરકાર તરફે સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાં હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે ત્રણ આરોપીના તા.29મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

અગાઉ પકડાયેલા 4 આરોપીને અલગ અલગ જેલમાં મોકલી આપવા આદેશ
રાજ્યભરમાં ધાડના ગુનાઓ આચરી હાહાકાર મચાવનાર ખજુરીયા ગેંગના અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ પુરા થતાં તેને ન્યાયાધીશે જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ ચારે આરોપી સંગઠીત ગેંગના સભ્ય હોય તેમને અલગ અલગ જેલમાં મોકલી આપવાની રજૂઆત કરતાં ન્યાયાધીશે આરોપી દીલીપ બારીયાને ભરૂચ જેલ, નીકેશ પલાસને નડિયાદ જેલમાં, ઇનેશ પરમારને અમદાવાદ જેલ અને જવસિંગને નર્મદા જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...