PM મોદીની સભાની તૈયારી:વડોદરાના નવલખી મેદાનમાં 3 હેલિપેડ તૈયાર, સભા મંડપ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ, પોલીસ તૈનાત

વડોદરા10 દિવસ પહેલા
મોદી 23 નવેમ્બરે વડોદરા નવલખી મેદાનમાં સભાને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે 23 નવેમ્બરે વડોદરા નવલખી મેદાનમાં સભાને સંબોધિત કરશે. આ માટે મેદાનમાં જ 3 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે સભા મંડપની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

23 નવેમ્બરે બપોર બાદ મોદી સભાને સંબોધિત કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આગામી 1 ડિસેમ્બર અને 5 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી સહિત સ્ટાર પ્રચારકોની ટીમ મેદાનમાં ઉતરી ચુકી છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકોના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન મોદી આગામી 23 નવેમ્બરે બપોર બાદ વડોદરાના નવલખી મેદાનમાં સભાને સંબોધિત કરવાના છે.

વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા SPGના અધિકારીઓ પણ નવલખી મેદાનમાં આવી ગયા છે.
વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા SPGના અધિકારીઓ પણ નવલખી મેદાનમાં આવી ગયા છે.

ત્રણ હેલિપેડ બનાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર આવે અને ત્યાંથી નવલખી મેદાન ખાતે પહોંચે તો વધુ સમય જાય અને તેની સાથે રોડ પર સુરક્ષા બંદોબસ્તને લીધે લોકોને પણ અટવાવું પડે. જેથી PM મોદી માટે નવલખી મેદાનના સભા સ્થળ પર જ ત્રણ હેલિપેડ બનાવી દેવામાં આવ્યા છે. જેથી તેમની સાથે બીજા કોઇ સ્ટાર પ્રચારક પણ આવે તો સીધા સભા સ્થળે જ બીજા હેલિકોપ્ટરમાં ઉતરી શકશે.

SPGના અધિકારીઓ આવી પહોંચ્યા
વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા SPGના અધિકારીઓ પણ નવલખી મેદાનમાં આવી ગયા છે. તેઓ હેલિપેડ અને સભા સ્થળનું નિરિક્ષણ કરી રહ્યા છે. તેમજ મેદાનમાં હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ટેકઓફને લઇને કોઇ અડચણ ઉભી ન થાય તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ જ્યાં પણ ચોક્કસાઇ વર્તવી પડે તે અંગેના સૂચનો આપી રહ્યા છે.

સભા મંડપની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
સભા મંડપની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ પણ હાજર
મોદીની સભાને લઇને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, વીજ કંપનીના કર્મચારીઓ કામગીરીમાં જોતરાઇ ગયા છે. તો બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાઓ પણ મેદાનની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે જેથી કોઇ કચાશ ન રહી જાય.

પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો
સભામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસનો મોટા કાફલો પણ નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યો છે. જેમાં મહિલા પોલીસ પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...