અકસ્માત:દરશથ પાસે વરસાદમાં બાઇક સ્લિપ થઈ જતાં 3 મિત્ર પટકાયા,એકનું મોત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રવિવારની રજામાં હાથણી માતા ફરવા ગયેલા 3 મિત્રોને અકસ્માત
  • ત્રણે યુવાનો ઘરે પરત જતા હતા, અચાનક બ્રેક મારતાં ઘટના બની

ખાનગી કંપનીના કેન્ટીનમાં કામ કરતા 3 યુવકો રવિવારે રજા હોવાને કારણે હાથણી માતા ધોધ ગયા હતા, જ્યાંથી પરત ફરતા સમયે વરસાદ હોવાના કારણે બાઈક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ બેઠેલા 2 યુવકો રોડ પર પટકાયા હતા. એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઇજા થઇ હતી.

રણોલીમાં રહેતો 22 વર્ષિય જગદેવ લોધી (મૂળ મધ્યપ્રદેશ) અને તેના મિત્ર અજય રોહિત (બાજવા) અને અંબતરામ (મૂળ રાજસ્થાન) ખાનગી કંપનીની કેન્ટીનમાં કામ કરતા હતા. રવિવારે રજા હોવાથી યુવકોએ પાવાગઢ પાસે આવેલા હાથણી માતા ધોધમાં નાહવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. જેથી અજયની બાઈક પર 3 યુવકો ફરવા ગયા હતા. મોડી સાંજે તેઓ અજયના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દશરથ પાસે તેણે અચાનક બ્રેક મારતાં પાછળ બેઠેલા જગદેવ અને અંબતરામ ઉછળીને પટકાતા માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

જેથી જગદેવ લોધી અને અજય રોહિતને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં તબીબે જગદેવને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અંબતરામને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ અંબતરામની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને અજય સામાન્ય ઈજા થઇ હતી. જગદેવ લોધીના ભાઈએ રામપ્રતાપ લોધીએ અજય રોહિત વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અજયે 2 મહિના પહેલાં બાઈક લીધું હતું
છાણીના એએસઆઇ વિજય રાણાએ જણાવ્યું કે, અજય રોહિતે 2 મહિના પહેલાં નવું બાઈક લીધું હતું. પ્રાઇવેટ નોકરી કરતા હોવા છતાં તેણે લાઇસન્સ કઢાવ્યું નહોતું. જેથી પોલીસ આ બાબતે પણ અજય વિરુદ્ધ કાર્યવાહી કરશે.

ફતેગંજ બ્રિજ ઉપર વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત
રવિવારે રાત્રે વરસાદ વચ્ચે 10:30 વાગ્યાના અરસામાં નોકરીથી ઘરે જઈ રહેલા 37 વર્ષના બાઇક સવારને અજાણ્યા વાહને અડફેટે લેતાં મોત થયું હતું. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ગોરધનભાઈની ચાલીમાં રહેતા 37 વર્ષીય અમિત પઢિયાર કુરિયર કંપનીમાં ફરજ બજાવતા હતા. રવિવારે રાત્રે વરસતા વરસાદની વચ્ચે ફતેગંજ બ્રિજ ઉપરથી તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટમાં લેતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા અમિત પઢિયારનું મોત થયું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં અમિત અપરિણીત હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...