કોરોના સંક્રમણ:મહારાષ્ટ્રથી વડોદરા આવેલા પરિવારના 3 સભ્યને કોરોના પોઝિટિવ, ડેલ્ટા વેરિયન્ટની શંકા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 77 દિવસ બાદ કોરોનાથી 18 વર્ષીય યુવતીનું ગોત્રી હોસ્પિટલમાં મોત
  • આરોગ્ય વિભાગ સતર્ક બન્યો : પરિવારની મહિલાને શ્વાસમાં તકલીફ જતાં SSGમાં દાખલ

મહારાષ્ટ્રના પુણેથી વડોદરા શહેરમાં આવેલા પરિવારના ત્રણ સભ્યોને કોરોનાના પોઝિટિવ આવતા ત્રણ પૈકી એકને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. જ્યારે અન્ય બે પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન રાખવામાં આવ્યા છે. ડેલ્ટા વેરિઅન્ટની એન્ટ્રીની આશંકાને પગલે આરોગ્ય વિભાગ સર્તક બન્યો છે. બીજી તરફ શહેરમાં 77 દિવસ બાદ કોરોનાથી મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક તરફ શહેરમાં કોરોના કેસ કંટ્રોલમાં છે. ત્યારે શહેરના પરિવારનો સભ્ય મહારાષ્ટ્રના પુણેમાં બીમાર હોવાથી તેને 7 સભ્યો લેવા ગયા હતા. જ્યાંથી પરિવાર પરત આવ્યા બાદ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી હતી. જેમને કોરોનાના લક્ષણો જણાતા તેઓએ કોરોનાના સંક્રમણની તપાસ કરાવી હતી. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. પરિવારના ત્રણ પૈકીના એક મહિલા સ્વજનને શ્વાસ લેવામાં પરેશાની થતી હોવાથી તેમને સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં પરિવારના ત્રણ સભ્યોને નમૂનાઓને ડેલ્ટા વેરિયન્ટની તપાસ માટે પુણે મોકલવા કવાયત હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જયારે શહેરની 18 વર્ષની યુવતી કોરોનાથી સંક્રમિત થતા તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેણીને ગુરુવારે તેની તબિયત લથડતા વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી. જ્યાં મોડીરાતે તેનું મોત નીપજ્યું હતું. જેની કોરોના પ્રોટોકોલથી ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. જોકે પાલિકાના ચોપડે સત્તાવાર મોત નોંધાયું નથી.

ગોત્રી, તરસાલી, છાણીમાંથી કોરોનાના નવા 4 કેસ મળ્યા
શહેરમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં વધુ 5 કેસ નોંધાયા છે. જેમાં ચાર કેસ શહેરમાં અને એક ગ્રામ્યમાં નોંધાયો છે. શુક્રવારે વધુ 4 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે નવા 5 કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસનો આંક 71,988 પર પહોંચ્યો છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર 1 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરની વિવિધ હોસ્પિટલમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,348 પર પહોંચ્યો છે. શહેરના તરસાલી, ખોડિયારનગર, છાણી, ગોત્રી અને ડભોઇમાં એક એક પોઝિટીવ કેસ નોંધાયો છે.

મ્યૂકોરમાઇકોસિસનો નવો 1 કેસ ,15 દર્દીઓની સર્જરી
વડોદરા શહેરમાં કોરોના સંક્રમણની સાથે સાથે મ્યૂકોરમાઇકોસિસના કેસો પણ ઘટાડો નોંધાતાં રાહત થઈ છે. જોકે શુક્રવારના રોજ ગોત્રી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસનો વધુ એક કેસ નોંધાયો હતો. આ ઉપરાંત શહેરમાં સયાજી હોસ્પિટલમાં શુક્રવારે 7 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જ્યારે 1 દર્દીની બાયોપ્સીને તપાસ માટે મોકલવામાં આવી છે. બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની 8 સર્જરી કરવાની સાથે 1 દર્દીની બાયોપ્સીને તપાસ અર્થે મોકલી આપી છે.

અન્ય સમાચારો પણ છે...