તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વડોદરા નજીકની ભીમપુરા ચોકડી પાસે નર્મદાની કેનાલમાં નાહવા પડેલા 3 ડૂબ્યા, બે સગા ભાઈનાં મોત, એકને બચાવી લેવાયો

વડોદરાએક મહિનો પહેલા
ફાયરબ્રિગેડ દ્વારા મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાયા હતા.
  • સાંજે રોડના કામમાંથી છૂટીને શ્રમિકો નાહવા માટે કેનાલમાં પડ્યા હતા

શહેર નજીક શેરખી ભીમપુરા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં મજૂરીકામ કરી છૂટીને ઘરે જઈ રહેલા 3 યુવાન પૈકી બે સગા ભાઈ કેનાલમાં ડૂબીને મોતને ભેટ્યા હતા, જ્યારે એકનો બચાવ થયો હતો. ફાયરબ્રિગેડની ટીમે કેનાલના વહેતા પાણીમાં લાપતા થયેલા બે ભાઇના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપ્યા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બંને ભાઈ એલ એન્ડ ટી દ્વારા બનાવવામાં આવી રહેલા એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં મજૂરીકામ કરતા હતા.

શહેર નજીક આવેલા ભીમપુરા શેરખી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાળી પર બેઠેલા બે યુવાનો પૈકી એકનો પગ લપસતા તેને બચાવવા ગયેલા તેનો બીજો ભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થતા તેમને બચાવવા ગયેલા પ્રાૈઢ પણ પાણીમાં થતાં દોડી આવેલા સ્થાનિક રહીશોએ વૃદ્ધને ડોલ દોરડું નાખી બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે બંને યુવાનો સોમવારે સાંજે પાણીમાં લાપતા બન્યા હતા. મંગળવારે સવારે ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરી બંને યુવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

બનાવ અંગે તાલુકા પોલીસ મથક દ્વારા મળેલી માહિતી મુજબ શેરખી કેનાલ પાસે ચાલી રહેલા રોડની કામગીરીમાં ખાનગી કંપનીમાં શ્રમજીવી તરીકે કામ કરતા ઝારખંડના ચાર સગા ભાઇઓ પૈકી 30 વર્ષીય અજય ભૂઇયા અને 28 વર્ષીય વિનોદ ભૂઇયા સાંજે કેનાલ પર બેઠા હતા. દરમિયાન એક ભાઈનો પગ લપસતા તેને બચાવવા બીજો ભાઈ પાણીમાં કૂદ્યો હતો.

આ ઘટના જોઈને 55 વર્ષીય પ્રાૈઢ શ્રમજીવી સરજુભાઈ પણ તેમને બચાવવા પાણીમાં પડ્યા હતા. જેને પગલે દોડી આવેલા સ્થાનિક રહીશોએ દોરડું બાંધેલી ડોલ કેનાલમાં નાખી સરજુભાઈને બચાવી લીધા હતા. જોકે બંને યુવાનોને બચાવવામાં સફળતા મળી ન હતી. બનાવ અંગે જાણ થતા દોડી આવેલી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

કામ પરથી ઘરે જતા હતા
મળેલી માહિતી મુજબ, વડોદરા તાલુકાના શેરખી અને ભીમપુરા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલ નજીક એલ એન્ડ ટી કંપની દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામકાજ ચાલી રહ્યું છે. રોડ બનાવવાની કામગીરીમાં ઝારખંડના બે સગા ભાઈ અજય ભોઈટા (ઉં. 30 ) તથા તેનો નાનો ભાઈ વિનોદ ભોઈટા (ઉં. વર્ષ 28 ) મજૂરીકામ કરતા હતા. મોડી સાંજે બન્ને ભાઈ તથા તેની સાથે મજૂરીકામ કરતો સરજુ નામનો યુવાન મિત્ર છૂટીને ઘરે જતા હતા.

સગા ભાઈઓનાં મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
સગા ભાઈઓનાં મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

કેનાલમાં નાહવા પડ્યા હતા
ભીમપુરાથી શેરખી ચોકડી પાસે નર્મદા કેનાલ આવતાં તેઓ કોઈ કારણસર નર્મદા કેનાલમાં નાહવા પડ્યા હતા, જેમાં અજય ભોઈટા તથા વિનોદ ભોઈટા બન્ને ભાઈઓ તણાતાં સાથી મિત્ર સરજુએ બચાવવા માટે કેનાલમાં ભૂસકો માર્યો હતો. તે પણ તણાવા લાગ્યો હતો, જેથી તેણે બૂમાબૂમ કરતાં નજીકમાં ઊભેલા એક આધેડ વ્યક્તિ દોરડું અને ડોલ લઈને દોડી આવ્યો હતો અને બચાવવા માટે ડોલ સાથે દોરડું નર્મદા કેનાલમાં નાખ્યું હતું, જેમાં સરજુ‌ ડોલ અને દોરડું પકડી લેતાં તેનો બચાવ થયો હતો.

કેનાલના પાણીમાંથી બીજા દિવસે મૃતદેહ મળ્યા હતા.
કેનાલના પાણીમાંથી બીજા દિવસે મૃતદેહ મળ્યા હતા.

પાણીમાં લાપતા થયા હતા
બન્ને ભાઈઓ અજય અને વિનોદ પાણીના પ્રવાહમાં તણાઈને પાણીમાં લાપતા થયા હતા. આ બનાવની જાણ ફાયરબ્રિગેડ અને તાલુકા પોલીસને કરવામાં આવતાં બંને ટીમો બનાવ સ્થળે દોડી આવી હતી અને આજે સવારે ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી, જેમાં બંને ભાઈઓના મૃતદેહો કેનાલમાંથી મળી આવતાં બહાર કાઢવામાં આવ્યા હતા. આ બંને યુવાનોની લાશનો કબજો તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એકસાથે બે ભાઈઓના નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજતાં મજૂરીકામ કરતા શ્રમજીવીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...